અમારી સામે ચાની લારી કેમ કરી? ભાવનગરમાં પિતા-પુત્રોનો છરી-ધોકા વડે યુવક પર જીવલેણ હુમલો, બચાવવા બડેલા દાદા પણ ઇજાગ્રસ્ત

ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા જયદીપ મુકેશભાઈ ધોપાળે આશરે 10 દિવસ પહેલા જ ગીતાચોક રોડ પર 'ભગવતી ચા' નામની લારી શરૂ કરી હતી.  ત્રણેય શખ્સો જયદીપની લારીએ પહોંચ્યા હતા અને અમારી સામે લારી કેમ કરી? તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 21 Jun 2026 01:15 PM (IST)Updated: Sun, 21 Jun 2026 01:15 PM (IST)
bhavnagar-tea-shop-dispute-turns-violent-father-and-sons-attack-youth

Bhavnagar News: ભાવનગરના શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂ કરાયેલી ચાની લારીની અદાવતમાં પિતા અને તેના બે પુત્રોએ લારી શરૂ કરનાર યુવક અને તેના વૃદ્ધ દાદા પર છરી અને ધોકા વડે હુમલો કર્યો છે. ગત બપોરે બનેલી આ હિંસક ઘટનામાં 25 વર્ષીય જયદીપ ધોપાળ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના આધારે સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે ત્રણેય હુમલાખોરો વિરુદ્ધ નવા કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગરના બોરડીગેટ વિસ્તારમાં રહેતા જયદીપ મુકેશભાઈ ધોપાળે આશરે 10 દિવસ પહેલા જ ગીતાચોક રોડ પર 'ભગવતી ચા' નામની લારી શરૂ કરી હતી. આ નવી લારી શરૂ થતા તે જ વિસ્તારમાં સામે ચાની લારી ચલાવતા રફીક અને તેના બે પુત્રો અબુદ તથા અલ્ફાઝે અદાવત રાખી હતી. બપોરે 12 વાગ્યાની આસપાસ ત્રણેય શખ્સો જયદીપની લારીએ પહોંચ્યા હતા અને અમારી સામે લારી કેમ કરી? તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી.

તકરાર વધતા રફીક અને તેના પુત્રો ઉશ્કેરાઈ ગયા હતા. હુમલાખોરોએ ખુરશી અને મુક્કા વડે જયદીપ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન અબુદે લાકડાના ધોકાથી જયદીપના માથા અને હાથ પર જીવલેણ ફટકા માર્યા હતા, જ્યારે અલ્ફાઝે છરીના ઘા ઝીંકી યુવકને લોહીલુહાણ કરી નાખ્યો હતો. પૌત્રને બચાવવા વચ્ચે પડેલા વૃદ્ધ દાદાને પણ હુમલાખોરોએ છોડ્યા નહોતા. દંડાની ખેંચતાણમાં દાદા જમીન પર પટકાયા હતા અને એક શખ્સે તેમને પણ ખુરશી મારી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર બનાવ નજીકમાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં કેદ થઇ છે.

જાહેર રોડ પર થયેલી આ મારામારીને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ભીડ વધતા ત્રણેય હુમલાખોરો 'જો ફરી લારી ચાલુ રાખી તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત જયદીપને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘોઘારોડ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 117(2), 118(1), 115(2), 352, 351(3), 54 તેમજ જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.