Bhavnagar Murder: ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલી બેંક કોલોનીમાં આજે સાંજે કૌટુંબિક ઝઘડાની અદાવતમાં આવેશમાં આવીને જમાઈ અને તેના પક્ષના લોકોએ સસરા પર જીવલેણ હુમલો કરી, માથાના ભાગે પેવર બ્લોકનો ઘા મારી કરપીણ હત્યા નીપજાવતાં ચકચાર મચી ગઈ છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા જમાઈ કામે ન જતો હોવાથી દીકરી સાથે થતી બોલાચાલીમાં સસરાએ ઠપકો આપતાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૃતક ગોરધનભાઈ ચિત્રા વિસ્તારની બેંક કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની દીકરીના લગ્ન ફુલસર વિસ્તારના સતનામ ચોકમાં રહેતા રાકેશ સાથે થયા હતા. રાકેશ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે, પરંતુ તે નિયમિત કામે જતો નહોતો. ક્યારેક હીરા ઘસવા જતો અને ક્યારેક ઘરે બેસી રહેતો હોવાના કારણે અવારનવાર પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ થતો હતો.
આજે દીકરીને કોઈ ઓપરેશન માટે હોસ્પિટલ લઈ જવાની હતી, પરંતુ તે દાખલ ન થતાં ઘરે પરત આવી હતી. સાંજે આશરે સાડા 5 કલાકે રાકેશ કામે ન જવાના મુદ્દે ફરી ઝઘડો થયો હતો. જેથી રાકેશ પત્નીને મારવા દોડ્યો હતો. તે સમયે સસરા ગોરધનભાઈએ વચ્ચે પડીને જમાઈને ઠપકો આપતાં રાકેશ તેમને લાફા મારીને ત્યાંથી જતો રહ્યો હતો.
સાંજના ઝઘડાનો ખાર રાખીને રાત્રિના સમયે જમાઈ રાકેશ તેની સાથે અન્ય સાત જેટલી મહિલાઓને લઈને સસરાના ઘરે ધસી આવ્યો હતો. મૃતકના દીકરા સંદીપ દલસાણિયાના જણાવ્યા મુજબ, આ ટોળાએ આવીને ફરીથી ઉગ્ર ઝઘડો શરૂ કર્યો હતો.
જે બાદ તમામ આરોપીઓએ ગોરધનભાઈને નફ્ફટાઈથી પકડી રાખ્યા હતા અને તેમની સાથે આવેલી પારુબેન નામની મહિલાએ ગોરધનભાઈના માથાના ભાગે સિમેન્ટના ભારે બ્લોકનો ઘા ઝીંકી દીધો હતો. માથામાં ગંભીર ઈજા થવાને કારણે લોહીલુહાણ હાલતમાં ગોરધનભાઈને તાત્કાલિક ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
