Loading...

Bhavnagar: ભાવનગરથી નવી મુંબઈ હવાઈ સેવાનો પ્રારંભ, મુસાફરોની સુવિધામાં પણ અભૂતપૂર્વ વધારો

ભાવનગર એરપોર્ટ નવીનીકરણ સાથે હાઈટેક સુવિધાઓથી સજ્જ થયું છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 29 Mar 2026 08:43 AM (IST)Updated: Sun 29 Mar 2026 03:49 PM (IST)
bhavnagar-to-navi-mumbai-direct-flight-and-new-passenger-facilities-717412
HIGHLIGHTS
  • ભાવનગર-નવી મુંબઈ સીધી ફ્લાઇટ સેવા શરૂ
  • ભાવનગર એરપોર્ટ હાઈટેક સુવિધાઓથી સજ્જ
  • એરપોર્ટ પર સુસજ્જ લાયબ્રેરી પણ તૈયાર થઈ

Bhavnagar-Navi Mumbai air service: ભાવનગર અને આસપાસના વિસ્તારના મુસાફરો માટે અત્યંત આનંદના સમાચાર છે. આજે 29 માર્ચ, રવિવારથી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સાથે જ ભાવનગર એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં અભૂતપૂર્વ વધારો કરી અને એરપોર્ટને હાઈટેક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

ભાવનગર-નવી મુંબઈ ફ્લાઇટનો પ્રારંભ

ભાવનગર-નવી મુંબઈ ઐતિહાસિક ફ્લાઈટને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુ ભાવનગર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ફ્લેગ ઓફ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન IAS વિપીનકુમાર અને સિવિલ એવિએશન સેક્રેટરી સહિતના પદાધિકારીઓ તથા અધિકારીઓ સહભાગી થયા.

ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ભાવનગર-નવી મુંબઈ રૂટ પર દરરોજ સવાર અને સાંજ એમ બે ફ્લાઇટનું સંચાલન કરવામાં આવશે. આ સેવાની પ્રથમ ફ્લાઇટ રવિવારે સવારે 8:30 કલાકે નવી મુંબઈ જવા માટે ઉડાન ભરશે.

મુસાફરો માટે આધુનિક સુવિધાઓ

એરપોર્ટ ઓથોરિટી દ્વારા ભાવનગર એરપોર્ટના બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનાથી બિલ્ડિંગનો દેખાવ વધુ આકર્ષક અને સુવિધાજનક બન્યો છે. આજના ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને, પ્રોફેશનલ્સ અને બિઝનેસ મુસાફરો માટે ખાસ લેપટોપ વર્ક સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જ્યાં તેઓ પર્સનલ ડેસ્ક પર શાંતિથી પોતાનું વર્ક પૂર્ણ કરી શકશે.

આ ઉપરાંત, મુસાફરોમાં વાંચનનો વ્યાપ વધે તે હેતુથી એરપોર્ટ પર એક સુસજ્જ લાઈબ્રેરી પણ તૈયાર કરવામાં આવી છે, જેનો ઉપયોગ ફ્લાઈટના આગમન કે પ્રસ્થાનના સમય પૂર્વે કરી શકાશે. મુસાફરોની પાયાની જરૂરિયાતોને અપગ્રેડ કરતા એરપોર્ટ પરિસરમાં વાઈફાઈ અને મલ્ટીપલ મોબાઈલ ચાર્જિંગ સ્ટેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વેપાર-પ્રવાસન ઉદ્યોગને થશે ફાયદો

નવી હવાઈ સુવિધા ઉપલબ્ધ થવાથી ભાવનગરના હીરા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રને ખૂબ મોટો ફાયદો થશે, તેમજ નવી મુંબઈ મારફતે દેશના અન્ય મહાનગરો સાથેની કનેક્ટિવિટી પણ સરળ બનશે. નવીનતમ સુવિધાઓ અને નવી ફ્લાઇટના કારણે ભાવનગર એરપોર્ટ હવે મુસાફરો માટે એક આરામદાયક અને ફળદાયી વેઈટિંગ એક્સપિરિયન્સ પૂરો પાડતું મુખ્ય કેન્દ્ર બની રહેશે.