Loading...

Bhavnagar: ભાવનગરના સિહોર નજીક ગમખ્વાર અકસ્માત, ડમ્પરની અડફેટે ચડ્યું બાઈક; પિતા-પુત્રીનું કરૂણ મોત

પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 31 Mar 2026 03:22 PM (IST)Updated: Tue 31 Mar 2026 03:22 PM (IST)
bhavnagar-news-bike-hit-by-dumper-near-sehor-father-daughter-dies-718935
HIGHLIGHTS
  • ભાવનગરના સિહોર પાસે અકસ્માત
  • ડમ્પર ચાલકે બાઇકને અડફેટે લીધું 
  • બાઈક સવાર પિતા-પુત્રીનું મોત થયું

Bhavnagar accident news: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર ગામ પાસે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર પિતા અને તેમની માસૂમ પુત્રીનું કરૂણ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પિતા-પુત્રી કાજાવદર પરત ફરી રહ્યા હતા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોર તાલુકાના કાજાવદર ગામે રહેતા 32 વર્ષીય સંજયભાઈ બોઘાભાઈ પરમાર અને તેમની 9 વર્ષની માસૂમ દીકરી રશીતાબેન તેમની બાઈક (નંબર GJ-04-DF-761) પર સવાર થઈને જઈ રહ્યા હતા. પિતા-પુત્રી જાંબાળા ગામથી પોતાના ગામ કાજાવદર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો.

ડમ્પર ચાલકે બાઈકને મારી જોરદાર ટક્કર

રસ્તામાં સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર (નંબર GJ-04-AF-9511) ચાલકે તેમની બાઈકને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે 9 વર્ષીય માસૂમ દીકરી રશીતાબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પિતા સંજયભાઈને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, કમનસીબે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

ડમ્પર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા જ આસપાસથી સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સમગ્ર બનાવની જાણ થતાં સિહોર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે, અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

એક જ પરિવારમાંથી પિતા અને માસૂમ પુત્રી એમ બે સભ્યોના અચાનક અને કરૂણ મોતથી કાજાવદર ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું છે.