Loading...

Bhavnagar News: બગદાણા હુમલા કેસમાં માયાભાઈના પુત્ર જયરાજની સાડા ત્રણ કલાક મેરેથોન પૂછપરછ, SIT સમક્ષ 15 પુરાવા રજૂ

SIT સમક્ષ હાજર થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ અધિકારીઓએ હુમલાના કાવતરા અને હુમલાખોરો સાથેના સંબંધોને લઈને પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી હતી.

By: Jignesh TrivediEdited By: Jignesh Trivedi Publish Date: Wed 21 Jan 2026 09:56 PM (IST)Updated: Thu 22 Jan 2026 11:47 AM (IST)
bhavnagar-news-three-and-a-half-hour-marathon-interrogation-of-maya-bhais-son-jayaraj-in-bagdana-attack-case-15-evidence-presented-before-sit-677714
HIGHLIGHTS
  • મને કાયદા પર પૂરો ભરોસો છે, ભવિષ્યમાં પણ તપાસમાં સહકાર આપીશ: જયરાજ આહીર
  • નવનીત બાલધિયાએ હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ હોવાના ગંભીર આક્ષેપો કર્યા

Bhavnagar News: બગદાણામાં કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા આજે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર (સોનલભાઈ) ને બોલાવીને સાડા ત્રણ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી.

IG કચેરી ખાતે પ્રશ્નોનો મારો
આજે બપોરે જયરાજ આહીર ભાવનગર રેન્જ આઈજી (IG) કચેરી ખાતે SIT સમક્ષ હાજર થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ અધિકારીઓએ હુમલાના કાવતરા અને હુમલાખોરો સાથેના સંબંધોને લઈને પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી હતી. લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી આ ઉલટતપાસમાં જયરાજ આહીરના નિવેદન નોંધવામાં આવ્યા હતા.

પૂછપરછ બાદ જયરાજ આહીરની પ્રતિક્રિયા આપી
તપાસના અંતે કચેરી બહાર નીકળતી વખતે મીડિયા સાથે વાત કરતા જયરાજ આહીરે જણાવ્યું હતું કે- તપાસ અધિકારીઓએ મને જે પણ સવાલો કર્યા હતા, તેના મેં વિગતવાર જવાબ આપ્યા છે. મેં તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને આગળ પણ પોલીસને જે કંઈ પણ જરૂર હશે તેમાં હું સહકાર આપીશ.

હુમલામાં જયરાજનો જ હાથ- નવનીત બાલધિયા
ભાવનગરના બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SITની રચના અનેક અપડેટ સામે આવી રહ્યાં છે. શનિવારે બે પોલીસ ઈન્સ્પેક્ટરના નિવેદન લેવાયાં બાદ સોમવારે ભોગ બનનાર નવનીત બાલધિયા SIT સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા.

SITની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે. બાલધિયાએ કહ્યું હતું કે સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. ચીમકી ઉચ્ચારતાં તેણે કહ્યું હતું કે, જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું.

શું છે સમગ્ર મામલો?
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. બગદાણામાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ તેમણે સીધો આક્ષેપ કર્યો હતો કે આ હુમલો જયરાજ આહીરના ઈશારે કરવામાં આવ્યો છે. ફરિયાદી પક્ષે SITને અંદાજે 15 જેટલા પુરાવાઓ સોંપ્યા છે, જેમાં કથિત રીતે ફોન રેકોર્ડિંગ અને અન્ય ડિજિટલ પુરાવાઓનો સમાવેશ થાય છે.

જુનો વિવાદ: મુંબઈમાં એક ડાયરા દરમિયાન માયાભાઈ આહીરે બગદાણા ધામ વિશે કરેલી ટિપ્પણી અને ત્યારબાદ નવનીત બાલધિયા સાથે થયેલી ટેલિફોનિક બોલાચાલી આ સમગ્ર વિવાદનું મૂળ હોવાનું માનવામાં આવે છે.

નવાજૂનીના એંધાણ
SITની આ સઘન પૂછપરછ બાદ હવે આ કેસમાં મોટા વળાંક આવવાની શક્યતા છે. પોલીસ હવે જયરાજ આહીરે આપેલા જવાબો અને ફરિયાદીએ આપેલા પુરાવાઓનું ક્રોસ-વેરિફિકેશન કરી રહી છે. જો પુરાવાઓ મજબૂત જણાશે, તો આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડ અથવા કડક કાર્યવાહી થઈ શકે છે.

અત્યારસુધીમાં 11 આરોપીઓની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, કોળી સમાજના 15 ધારાસભ્યો અને 3 કેન્દ્રીય મંત્રીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં, મુખ્ય ષડયંત્રકાર સુધી હજુ સુધી પહોંચી શકાયું નથી. આ વિવાદમાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમ છતાં કોળી સમાજમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે. એસઆઇટી દ્વારા પીડિત યુવક નવનીત બાલધ્યાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોડી રાત્રે 11મા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.