Bhavnagar News: ગુજરાતમાં બગદાણા હુમલા કેસમાં તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે ગૌતમ ચૌહાણે પોલીસ તપાસ અને SIT પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે પોતાના પર થયેલા આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવ્યા છે.
ધારાસભ્ય ગૌતમ ચૌહાણે જણાવ્યું હતું કે, કોળી સમાજના તમામ આગેવાનો, ધારાસભ્યો, મંત્રીઓ અને સાંસદો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામ સ્વરૂપે તાત્કાલિક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. ઘટના સમયે ફરજ પર રહેલા પીઆઈને પણ હટાવી દેવામાં આવ્યા હતા અને અન્ય આરોપીઓની પણ ધડપકડ કરવામાં આવી છે. સરકાર આ દિશામાં સક્રિયપણે કામ કરી રહી છે.
SIT આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે
મુખ્ય ષડયંત્રકાર કોણ છે તે અંગે પીડિત નવનીત બાલધ્યા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો વિશે પૂછવામાં આવતા ગૌતમ ચૌહાણે કહ્યું કે, નવનીતભાઈ જયરાજભાઈનું નામ લે છે, પરંતુ આ તપાસનો વિષય છે. SIT આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને જે કંઈ સત્ય હશે તે સામે આવશે. અમને SIT પર સંપૂર્ણ ભરોસો છે અને પોલીસ તપાસ કરી રહી છે. જે કંઈ સત્ય હશે તે સામે આવી જશે.
સમાધાન કરાવવામાં ભૂમિકા હોવા અંગે આપ્યો જવાબ
ધારાસભ્ય ગૌતમ ચૌહાણ પર સમાધાન કરાવવામાં તેમની ભૂમિકા હોવાના આક્ષેપો થયા હતા. આ અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, જે લોકો આવી વાતો કરી રહ્યા હતા, તે બંને વ્યક્તિ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. આવા કોઈ સમાધાનની વાત જ નથી અને તે સમયે મારું લોકેશન ગાંધીનગર રાજભવનમાં હતું. આ ફક્ત પોતાનો સિતારો ચમકાવવા અને રાજકારણ કરવાનો પ્રયાસ હતો. આમ આદમી પાર્ટીના તળાજા શહેર પ્રમુખ દ્વારા તેમના પર આવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
અત્યારસુધીમાં 11 આરોપીઓની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, કોળી સમાજના 15 ધારાસભ્યો અને 3 કેન્દ્રીય મંત્રીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં, મુખ્ય ષડયંત્રકાર સુધી હજુ સુધી પહોંચી શકાયું નથી. આ વિવાદમાં અત્યાર સુધીમાં કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમ છતાં કોળી સમાજમાં નારાજગી અને અસંતોષ જોવા મળી રહ્યો છે. એસઆઇટી દ્વારા પીડિત યુવક નવનીત બાલધ્યાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોડી રાત્રે 11મા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
