Loading...

બગદાણા વિવાદઃ જયરાજ આહીર સુધી રેલો કેવી રીતે પહોંચ્યો, શું કોઈના દબાણ હેઠળ ધરપકડ કરાઈ?- SITએ તમામ પ્રશ્નોના જવાબ આપ્યા

SITને આ ગુનામાં જયરાજ આહીરની સીધી સંડોવણીના સાંયોગિક અને ડિજિટલ પુરાવાઓ મળતા આજે ખુલાસા માટે બોલાવી ધરપકડ કરવામાં આવી છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 24 Jan 2026 06:55 PM (IST)Updated: Sat 24 Jan 2026 06:56 PM (IST)
bhavnagar-news-sit-press-confrence-after-jayraj-ahir-arrest-in-bagdana-controversy-679246
HIGHLIGHTS
  • બગદાણા આશ્રમના સેવક કોળી યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો
  • આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલાયા

Bhavnagar: ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં ગત 26 ડિસેમ્બર, 2025ના રોજ નોંધાયેલા કોળી યુવક પર જીવલેણ હુમલાના ચકચારી કેસમાં (Bagdana Controversy) આજે તપાસનીશ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ (SIT) મોટી સફળતા મેળવી છે. આ કેસમાં શંકાના દાયરામાં રહેલા જયરાજ આહીરની સઘન પૂછપરછ અને મળેલા પુરાવાઓના આધારે આજે સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે.

SITની રચના અને તપાસનો ધમધમાટ આ કેસની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાને લઈને ભાવનગર રેન્જ આઈ.જી.પી. (I.G.P.) કચેરી દ્વારા તારીખ 5 જાન્યુઆરી, 2026ના રોજ ખાસ SITની રચના કરવામાં આવી હતી.

SIT એ માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં તપાસ વેગવંતી બનાવી હતી. શરૂઆતમાં બગદાણા પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમના રિમાન્ડ દરમિયાન મળેલી વિગતોના આધારે અન્ય આરોપીઓના નામ ખુલ્યા હતા.ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય ધરપકડ SIT દ્વારા આરોપીઓના મોબાઈલ લોકેશન અને ટેકનિકલ ડેટાની ચકાસણી કરવામાં આવી હતી.

આ દરમિયાન વધુ 5 આરોપીઓ ઝડપાયા હતા. જેમની ઓળખ કાનાભાઈ ભીખાભાઈ કામળીયા, સંજયભાઈ બેચરભાઈ ચાવડા, દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી, ઉત્તમભાઈ ભરતભાઈ બાંભણીયા, અજયભાઈ ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા તરીકે થઈ છે. આમ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.

જયરાજ આહીર સુધી રેલો કેવી રીતે પહોંચ્યો?
ગત 18 જાન્યુઆરી, 2026ના રોજ ફરિયાદી નવનીતભાઈ બાલધિયાનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું હતું. જે બાદ અન્ય સાક્ષીઓના નિવેદનો અને આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કોની તપાસ કરતાં જયરાજ આહીરની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી.

આથી ગત 21 જાન્યુઆરીએ જયરાજ આહીરને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા.જો કે ત્યારબાદ SITને આ ગુનામાં જયરાજ આહીરની સીધી સંડોવણીના સાંયોગિક અને ડિજિટલ પુરાવાઓ મળતા આજે તેમને ફરી ખુલાસા માટે બોલાવી સઘન મૂલ્યાંકન બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ સાથે જ કેસમાં નવો વળાંક આવ્યો છે.

શું SITએ દબાણ હેઠળ જયરાજ આહીરની ધરપકડ કરી?

આ અંગે SITના અધિકારીને અને રેન્જ IG ગૌતમ પરમારના જણાવ્યા મુજબ, તમામ પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને લોકેશનનું વેરિફિકેશન કર્યા બાદ જયરાજ આહીરની સંડોવણીના પ્રાથમિક પુરાવા મળતા આજે તેમની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, તપાસ સંપૂર્ણપણે તટસ્થ (Objective) રીતે કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારના બાહ્ય દબાણ વગર પુરાવાના આધારે જ કાર્યવાહી થઈ છે.