Loading...

Jayraj Ahir: જેલમાં ગયેલા જયરાજ આહીર માટે ઘરેથી આવશે ભોજન? પથારી-ગોદડા અને ભોજન માટે પરિવારે કરી સ્પેશિયલ અરજી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જયરાજ આહીરને ભાવનગર જિલ્લા જેલની જનરલ બેરેકમાં રાખવામાં આવ્યો છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 27 Jan 2026 02:55 PM (IST)Updated: Tue 27 Jan 2026 02:55 PM (IST)
bhavnagar-bagdana-assault-case-jayraj-ahirs-family-seeks-blankets-bedding-and-tiffin-provision-in-bhavnagar-jail-680729

Jayraj Ahir, Bagdana Attack Case: બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં ધરપકડ કરાયેલા જયરાજ આહીરને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે જયરાજની જામીન અરજી ફગાવી દઈ તેને ભાવનગર જિલ્લા જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. જોકે, આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસની તપાસ પદ્ધતિને લઈને અનેક સવાલો પણ ઊભા થયા છે.

રિમાન્ડની માંગ ન કરાતા આશ્ચર્ય

સામાન્ય રીતે 'હત્યાના પ્રયાસ' જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ આરોપીના વધુમાં વધુ રિમાન્ડ મેળવવાના પ્રયત્નો કરતી હોય છે. પરંતુ આ કેસમાં SIT (Special Investigation Team) દ્વારા જયરાજ આહીરના રિમાન્ડની માંગ કરવામાં આવી નહોતી. SIT એ અગાઉ બે વખત તેની પૂછપરછ કરી હોવાનું જણાવી રિમાન્ડ માંગવાનું ટાળ્યું હતું. જામીન અરજી રદ થતા અને રિમાન્ડ ન મગાતા જયરાજને સીધો જ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

પરિવારની વિશેષ માગણી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, જયરાજ આહીરને ભાવનગર જિલ્લા જેલની જનરલ બેરેકમાં રાખવામાં આવ્યો છે. હજુ સુધી તેને કોઈ અલગ બેરેક ફાળવવામાં આવી નથી. જેલમાં પ્રથમ રાત્રે તે જેલનું સામાન્ય ભોજન એટલે કે ખીચડી, શાક અને રોટલી જમ્યો હતો. બીજી તરફ, જયરાજના પરિવાર દ્વારા જેલ સત્તાધીશોને તેને પથારી-ગોદડા અને ઘરેથી ટિફિન મંગાવવા દેવા માટેની વિશેષ અરજી કરવામાં આવી છે.

SIT ની તપાસનો ધમધમાટ

આ કેસમાં માત્ર જયરાજ જ નહીં, પરંતુ અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે. SIT એ પૂછપરછ માટે બગદાણાના રામભાઈ વાળા અને મહુવાના ચેતન ઉર્ફે આપા સોનીને બોલાવ્યા હતા. અઢી કલાકની મેરેથોન પૂછપરછ બાદ તેઓએ મીડિયા સમક્ષ મૌન જાળવ્યું હતું. આ ઉપરાંત, હુમલાનો ભોગ બનેલા નવનીત બાલધિયાની પણ IG ઓફિસમાં લાંબી પૂછપરછ કરવામાં આવી છે.

વિવાદનું મૂળ: એક સોશિયલ મીડિયા વીડિયો

આ સમગ્ર વિવાદ 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં યોજાયેલા માયાભાઈ આહીરના ભજન કાર્યક્રમથી શરૂ થયો હતો. કાર્યક્રમમાં માયાભાઈએ એક વ્યક્તિને 'મેનેજિંગ ટ્રસ્ટી' તરીકે ઉલ્લેખ્યા હતા. નવનીત બાલધિયાએ આ અંગે માયાભાઈને ફોન કરી ટકોર કરી હતી કે આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. ત્યારબાદ માયાભાઈએ માફી માંગતો વીડિયો મોકલ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો વણસ્યો અને નવનીતભાઈ પર હુમલો થતા ષડયંત્રના આક્ષેપો થયા. હાલમાં આ કેસ સમગ્ર ગુજરાતમાં સામાજિક અને રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. SIT દરેક પુરાવાનું બારીકાઈથી વિશ્લેષણ કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.