Loading...

Bagdana Controversy: બગદાણા વિવાદમાં નવનીતનો આક્ષેપ, જયરાજ આહીરને જેલમાં મળી રહી છે વીઆઇપી સુવિધાઓ

નવનીત બાલધિયાએ લખેલા પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જયરાજ આહીર રાજકીય અને આર્થિક વગ ધરાવતા હોવાથી તેમને જેલમાં વિશેષ સગવડો મળી રહી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 05 Feb 2026 12:06 PM (IST)Updated: Thu 05 Feb 2026 12:06 PM (IST)
bagdana-controversy-update-navneet-baldhiya-alleges-vip-treatment-for-jayraj-ahir-in-bhavnagar-jail-gujarat-686143

Navneet Baldhiya Case: બગદાણા મારામરી પ્રકરણમાં પોલીસ દ્વારા માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે અને હાલ તે જેલમાં છે ત્યારે ભોગ બનેલા કોળી સમાજના નવનીત બાલધિયા દ્વારા જેલ તંત્રની કાર્યવાહી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. નવનીત બાલધિયાએ એક પત્ર લખીને જેલ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. જયરાજને જેલમાં વીઆઇપી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનો અને જેલના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા છે તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા માગ કરવામાં આવી છે.

જયરાજને વિશેષ સગવડો અપાઇ રહી હોવાનો આક્ષેપ

નવનીત બાલધિયાએ લખેલા પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જયરાજ આહીર રાજકીય અને આર્થિક વગ ધરાવતા હોવાથી તેમને જેલમાં વિશેષ સગવડો મળી રહી છે. તેમણે દાવો કર્યો છે કે યુટ્યુબ વીડિયોના માધ્યમથી તેમના ધ્યાને આવ્યું છે કે જયરાજના બનેવી અને અમરેલીના એક પીઆઈ (PI) જેલના મુખ્ય ગેટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. જેલ મેન્યુઅલ અને કાયદા મુજબ કોઈ સામાન્ય વ્યક્તિ મુખ્ય ગેટની અંદર જઈ શકતી નથી, છતાં આ વ્યક્તિઓએ પ્રવેશ કર્યો હોવાથી કોઈ અજુગતું કરવા માટે ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં, પોલીસ વિભાગ દ્વારા મુલાકાત માટે પણ આરોપીને ‘ઘર જેવી સુવિધાઓ’ આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ થયો છે.

જેલના નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનો આક્ષેપ

જેલના નિયમોના ભંગ અંગે વધુ વિગતો આપતા બાલધિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લા જેલમાં સામાન્ય રીતે સાંજે 6 વાગ્યા પછી કેદીઓનું બીડું (પ્રવેશ પ્રક્રિયા) સ્વીકારવામાં આવતું નથી. તેમ છતાં, આ કેસમાં રાજકીય વગ ધરાવતા આરોપીઓ માટે રાત્રે 8 વાગ્યે બીડું સ્વીકારીને જેલ મુક્તિ કે પ્રવેશની પ્રક્રિયા કરવામાં આવી હતી, જે સીધો નિયમ ભંગ છે. નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ આરોપીઓને તેમના આર્થિક લાભ માટે સુખ-સગવડ આપી રહ્યા છે.

સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તેવી માગ કરી

આ સમગ્ર મામલે નિવેદન આપતા નવનીત બાલધિયાએ જણાવ્યું હતું કે, “જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો છે કે જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા નથી મળતી તે આ આરોપીઓને ખુલ્લેઆમ અપાય છે અને સાંજે 6 વાગ્યા પછી પણ બહારથી ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમણે માંગ કરી છે કે જેલમાં રહેલા CCTV ફૂટેજનો તાત્કાલિક કબજો મેળવીને તપાસ કરવામાં આવે અને જેલના નિયમોનો ભંગ કરનાર તથા આરોપીઓને મદદ કરનાર સંડોવાયેલા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

શું છે સમગ્ર મામલો?

બગદાણા વિવાદ શું હતો તેની ટૂંકી વિગતો જોઇએ તો આ વિવાદની શરૂઆત 24 ડિસેમ્બર, 2025 ના રોજ થઈ હતી, જ્યારે માયાભાઈ આહિરે એક કાર્યક્રમમાં બગદાણા આશ્રમના ટ્રસ્ટી તરીકે ખોટું નામ આપ્યું હતું, જેનો નવનીતભાઈએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ 29 ડિસેમ્બરના રોજ નવનીત બાલધિયા પર જીવલેણ હુમલો થયો હતો.

આ કેસમાં રાજકીય ગરમાવો આવતા SITની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન માયાભાઈના પુત્ર જયરાજ આહિરની સંડોવણી સામે આવતા, SIT દ્વારા તેમની કડક પૂછપરછ કરવામાં આવી અને અંતે 24 જાન્યુઆરીના રોજ તેમની ધરપકડ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે બગદાણા કેસમાં કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 8 આરોપીઓને મહુવા કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે. જોકે, જયરાજ આહીરની જામીન અરજી હાલ પેન્ડિંગ છે ત્યારે જેલ સુવિધાના આ વિવાદે નવો વળાંક લીધો છે.