Loading...

ન્યાયની લડાઈ હવે બગદાણાના આંગણે: નવનીત બાળધિયાએ કહ્યું,- 'કોળી સમાજની આભારવિધિ સાથે રચાશે આંદોલનની આગામી રણનીતિ'

ભાવનગરની ન્યાય સભા તો માત્ર એક શરૂઆત હતી, હવે અસલી તાકાત બગદાણાના આંગણે જોવા મળશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 02 Feb 2026 02:58 PM (IST)Updated: Mon 02 Feb 2026 03:31 PM (IST)
bagdana-controversy-navneet-baladhiya-said-next-strategy-of-movement-will-be-formulated-with-thanksgiving-ceremony-of-koli-community-684358

Navneet Baladhiya Case: ભાવનગર પંથકમાં કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાના વિરોધમાં અને અન્ય પીડિતોને ન્યાય અપાવવા માટે યોજાયેલી ન્યાય સભામાં સમાજની અભૂતપૂર્વ એકતા જોવા મળી હતી. આ સભાના સફળ આયોજન બાદ મીડિયા સાથે વાત કરતા સમાજના યુવા અગ્રણી નવનીત બાલધિયાએ આગામી કાર્યક્રમો અને રણનીતિ અંગે મહત્વની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હવે પછીનો મુખ્ય કાર્યક્રમ પવિત્ર યાત્રાધામ બગદાણા ખાતે યોજાશે, જ્યાં સમાજની શક્તિનું પ્રદર્શન કરવામાં આવશે.

સોશિયલ મીડિયાની તાકાતથી એકઠો થયો સમાજ

નવનીત બાલધિયાએ જણાવ્યું હતું કે, ભાવનગર ખાતેની આ સભા માટે કોઈને વ્યક્તિગત કે ફરજિયાત આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને એક થવા માટે અપીલ કરવામાં આવી હતી. આ અપીલના પ્રતિસાદરૂપે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જે દર્શાવે છે કે સમાજમાં અન્યાય સામે કેટલો રોષ છે. તેમણે આ એકતા માટે તમામ જ્ઞાતિજનો અને સોશિયલ મીડિયા મિત્રોનો આભાર માન્યો હતો.

બગદાણામાં યોજાશે આભારવિધિ અને ન્યાય સંમેલન

આગામી રણનીતિ અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે, "અમારો હવે પછીનો મુખ્ય કાર્યક્રમ બગદાણા ખાતે યોજાશે. આ સભામાં અમે સમાજની પડખે ઉભા રહેનારા તમામ આગેવાનો, સાંસદો અને ધારાસભ્યોને ફરજિયાતપણે આમંત્રિત કરવાના છીએ. બગદાણામાં માત્ર આભારવિધિ જ નહીં, પરંતુ જો ન્યાયની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની કચાશ જણાશે, તો ત્યાંથી જ આંદોલનના આગળના મંડાણ કરવામાં આવશે."

અન્ય પીડિતો માટે ખુલ્લું મંચ

બાલધિયાએ વધુમાં ઉમેર્યું કે, ન્યાય સભા દરમિયાન અન્ય કેટલાક લોકોએ પણ પોતાની સાથે થયેલા અન્યાયની રજૂઆતો કરી છે. બગદાણા ખાતે યોજાનારા સંમેલનમાં માત્ર એક વ્યક્તિ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના જે પણ પીડિતો છે, તેમને પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવશે. તેમણે વિનંતી કરી કે જે લોકો અન્યાયનો ભોગ બન્યા છે તેઓ નિર્ભય બનીને આગળ આવે અને પોતાની રજૂઆતો કરે.

સરકાર અને તંત્રને અલ્ટીમેટમ

સમાજની આ ન્યાય સભાએ સરકાર અને પોલીસ તંત્રને પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો પીડિતોને યોગ્ય ન્યાય નહીં મળે, તો આ લડાઈ વધુ ઉગ્ર બનશે. બગદાણા ખાતે યોજાનારી આ સભામાં ગુજરાતભરના કોળી અને ઠાકોર સમાજના આગેવાનો એકઠા થઈ શકે છે, જે આવનારા સમયમાં રાજકીય અને સામાજિક સ્તરે મોટા પરિવર્તનો લાવી શકે છે.

ભાવનગરની ન્યાય સભા તો માત્ર એક શરૂઆત હતી, હવે અસલી તાકાત બગદાણાના આંગણે જોવા મળશે. નવનીત બાલધિયા અને અન્ય યુવા આગેવાનોના નેતૃત્વમાં કોળી સમાજ જે રીતે સંગઠિત થઈ રહ્યો છે, તેનાથી સ્થાનિક વહીવટી તંત્ર પર પણ દબાણ વધ્યું છે.