Bhavnagar, Bagdana Controversy: બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાના કેસમાં આજે મહુવા કોર્ટ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત કોળી યુવક પર હુમલો કરવામાં સંડોવાયેલા 14 આરોપીઓ પૈકી 8 શખ્સોની નિયમિત અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે.
હકીકતમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં SIT તપાસ બાદ લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સહિત કુલ 14 ઈસમોની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
જે પૈકી રાજુ ભમ્મર, વેરું શયડા, આતું ભમ્મર, ભાવેશ ચેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજ મેર અને સતિષ વનાળીયા સહિત 8 જેટલા આરોપીઓએ પોતાના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.
આ સુનાવણી માટે કોર્ટ દ્વારા 2 ફેબ્રુઆરીની મુદ્દત આપવામાં આવી હતી. જેમાં આજે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મહુવા કોર્ટે ઉક્ત તમામ 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.
જયરાજ આહીર જેલમાં જ રહેશે
નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ માયાભાઈ આહીરના પુત્ર જયરાજની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કેસની તપાસ માટે રચાયેલી SITએ જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવીને તેની ધરપકડ કરી હતી. જે બાદ ભાવનગરની સેન્ટ્રલ જેલમાં બંધ જયરાજ આહીરને 27 જાન્યુઆરીના રોજ 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે.
બીજી તરફ જયરાજ આહીરના પરિવારજનો દ્વારા તેને જેલમાં પહેરવા, ઓઢવા માટે કપડા અને બિસ્ત્રા ઉપરાંત ટિફિન માટે અરજી કરવામાં આવી હતી. જેને જેલ તંત્ર દ્વારા મંજૂરી મળતા અત્યાર સુધી જેલનું ભોજન લેનારા જયરાજ આહીરને હવે ઘરનું ભોજન મળી રહ્યું છે.
