Bhavnagar News: બગદાણાના મારામારીના વિવાદમાં આજે સાંજે ભાવનગરમાં કોળી સમાજનું એક સંમેલન યોજાશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સંમેલનને લઈને કોળી સમાજના યુવાન નવનીત બાલધીયાએ કહ્યું છે કે હવે આ સંમેલનમાં આ વિવાદમાં મદદ કરનાર તમામ કોળી સમાજના યુવાનો અને આગેવાનોનું સન્માન કરાશે.
કોળી સમાજનું સંમેલન
બગદાણા કેસને લઈને ભાવનગરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. નવનીતભાઈ બાલધીયાને મામ મારવાના કેસમાં તળાજા ભાજપના યુવા પ્રમુખ અને લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર અત્યારે હાલ જેલમાં બંધ છે. આ મામલે ન્યાયની માંગ સાથે કોળી સમાજ દ્વારા ભાવનગરમાં એક વિશાળ 'ન્યાયસભા'નું આયોજન કરવામાં આવ્યું છે.
મોટી સંખ્યામાં લોકો જોડાશે
કોળી સમાજના યુવાનો અને અગ્રણીઓ દ્વારા 1 ફેબ્રુઆરી 2026 એટલે કે આજે સાંજે 4 વાગ્યે આ ન્યાયસભા યોજાનાર છે. સભાના આયોજકોના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના તમામ સંગઠનો અને નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સભામાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહેશે તેવી અપેક્ષાઓ રખાઈ રહી છે.
નવનીત બાલધીયાને માર મારવામાં આવ્યો હતો
નવનીત બાલધીયાને મારમારવાના કેસમાં કોળી સમાજ દ્વારા પોલીસની શરૂઆતની કામગીરી પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જે અંગેની વાત પણ આ સભામાં કરવામાં આવશે. કોળી સમાજના અગ્રણીઓ સીધો આક્ષેપ કરી રહ્યા છે કે જયરાજ આહીરને આડકતરી રીતે મદદ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, તપાસનીશ અધિકારીઓ પીઆઈ ડાંગર, પીઆઈ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલાની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સમાજનું માનવું છે કે જો પોલીસે શરૂઆતથી જ સચોટ તપાસ કરી હોત, તો જયરાજ આહીર વહેલી તકે જેલમાં હોત અને સમાજને આંદોલન કરવાની જરૂર પડી ન હોત.
સભા માટે મંજુરી મળી
સભાના આયોજન માટે પોલીસ તંત્ર પાસેથી જરૂરી મંજૂરી મેળવવામાં આવી છે અને પોલીસ પણ સહકાર આપી રહી છે. આયોજકો દ્વારા સુરક્ષાના ભાગરૂપે સમગ્ર સ્થળને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે અને સિક્યુરિટી ગાર્ડ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોળી સમાજના યુવાનો અને સ્વયંસેવકો સતત સ્થળ પર હાજર રહીને તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે, જેથી કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય.
