Jayraj Ahir Bail Hearing: લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની મુશ્કેલીઓ હાલ ઓછી થવાનું નામ નથી લઈ રહી. બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં જેલમાં બંધ જયરાજ આહીર અને અન્ય ચાર આરોપીઓની જામીન અરજી પર હવે બે દિવસ બાદ એટલે કે આગામી શુક્રવારે (6 ફેબ્રુઆરી) મહુવા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
કોણ કોણ છે જેલમાં?
આ કેસમાં મુખ્ય આરોપી ગણાતા જયરાજ આહીર ઉપરાંત અન્ય 4 સાથીદારો પણ હાલ જેલના સળિયા પાછળ છે. જેમની જામીન અરજી પર શુક્રવારે સુનાવણી થવાની છે તેમાં નીચે મુજબના નામો સામેલ છે:
- 1) જયરાજ આહીર
- 2) નાજુ કામળિયા
- 3) કાના કામળિયા
- 4) સંજય ચાવડા
- 5) દિનેશ ઉર્ફે દાદુ સોલંકી
8 આરોપીઓને મળી જામીનમુક્તિ
આ હુમલાના કેસમાં પોલીસે કુલ 14 શખ્સોની ધરપકડ કરી હતી. કાયદાકીય લડત બાદ, આ 14 આરોપીઓમાંથી 8 આરોપીઓને મહુવા કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ગત સોમવારે કોર્ટે રાજુ ભમ્મર, વેરુ સયડા, આતુ ભમ્મર, ભાવેશ ચેલાણા, વિરેન્દ્ર પરમાર, પંકજભાઈ મેર, સતીષ વનાળિયા અને ઉત્તમ બાંભણિયાના જામીન મંજૂર કરતા તેઓ જેલમુક્ત થયા હતા. 8 આરોપીઓ બહાર આવતા હવે બાકીના 5 આરોપીઓ પણ જામીન પર છૂટવા માટે મથી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, ભાવનગરના બગદાણા વિસ્તારમાં રહેતા કોળી જ્ઞાતિના યુવાન નવનીત બાલધિયા પર જૂની અદાવત કે અન્ય કોઈ કારણોસર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં માયાભાઈ આહીરના પુત્રનું નામ ઉછળતા મામલો હાઈપ્રોફાઈલ બન્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવાનના પરિવાર દ્વારા કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે શુક્રવારે થનારી સુનાવણી પર સૌની નજર ટકેલી છે. કોર્ટ જયરાજ આહીર અને અન્ય આરોપીઓના જામીન મંજૂર કરે છે કે તેમને હજુ વધુ સમય જેલમાં વિતાવવો પડશે, તે જોવું રહ્યું.
