Loading...

ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ પર બની દુઃખદ ઘટના, દોડ પૂર્ણ કર્યા બાદ કચ્છના યુવકનું મોત

ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષાની દોડ પૂર્ણ કર્યા બાદ યુવક બેભાન થઈને ઢળી પડ્યો હતો, જે બાદ તેનું મોત થયું હતું.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 22 Jan 2026 02:30 PM (IST)Updated: Thu 22 Jan 2026 03:25 PM (IST)
kutch-young-boy-died-after-completing-pet-running-for-gujarat-police-recruitment-2026-677966
HIGHLIGHTS
  • પોલીસ ભરતીની દોડ પૂર્ણ કર્યા બાદ યુવકનું મોત
  • ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે હતી શારીરિક કસોટી
  • મૃતક યુવક કચ્છનો વતની, પિતા SRP ગ્રુપમાં ASI

Gujarat Police Recruitment: હાલ રાજ્યભરમાં ગુજરાત પોલીસ વિભાગમાં PSI તેમજ લોકરક્ષક કેડરની ભરતી ચાલી રહી છે. આ ભરતી પ્રક્રિયા દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી માટે દોડ પૂર્ણ કર્યા બાદ એક યુવાનની તબિયત અચાનક લથડતા તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, સારવાર દરમિયાન યુવકનું દુઃખદ મોત નીપજ્યું હતું.

દોડ પૂર્ણ કર્યા બાદ યુવક ઢળી પડ્યો

આ બનાવ અંગે મળતી વિગત અનુસાર કચ્છનો 25 વર્ષીય યુવાન રવિરાજ જાડેજા ખાખી પહેરવાના સપના સાથે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા આપવા માટે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર (Bharuch Police Headquarters) આવ્યો હતા. યુવાને નિર્ધારિત સમયમાં 5 કિમીની દોડ પૂર્ણ કરી હતી. જોકે, દોડ પૂર્ણ કર્યા બાદ રવિરાજને ગભરામણ થવા લાગી હતી. થોડી જ વારમાં તબિયત વધુ લથડતા તે અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું મોત

પોલીસ ગ્રાઉન્ડ પર હાજર તબીબોની ટીમે યુવકને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. જે બાદ પ્રથમ તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ (Bharuch Civil Hospital) લઈ જવામાં આવ્યો હતો. જોકે, યુવાનની ગંભીર સ્થિતિને જોતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બાદમાં મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસે તપાસ શરૂ કરી

આ ઘટનાને લઈ પોલીસ વિભાગે તપાસ શરૂ કરી છે. શારીરિક કસોટી (physical examination) દરમિયાન ઉમેદવારોની આરોગ્ય સલામતીને વધુ મજબૂત બનાવવા માટે અધિકારીઓ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ભરતીની મહાપરીક્ષા વચ્ચે બનેલી આ ઘટના સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ASI પિતા ચોધાર આંસુએ રડ્યા

નોંધનીય છે કે, મૃતક રવિરાજ જાડેજા પોલીસ પરિવારમાંથી છે, તેના પિતા મહેન્દ્રસિંહ વડોદરા SRP ગ્રુપમાં ASI તરીકે ફરજ પર છે. ગયા વર્ષે પણ રવિરાજે પોલીસ ભરતી માટે શારીરિક કસોટી આપી હતી, પરંતુ તે અસફળ રહ્યો હતો. આ વર્ષે તે ફરીથી તૈયારી કરી મેદાને ઉતર્યો, અને સફળતાપૂર્વક તેણે ગ્રાઉન્ડ કસોટી પાસ કરી. પરંતુ કિસ્મતને આ મંજૂર ન હોય તેમ દોડ પૂર્ણ કર્યા બાદ રવિવારે જીવ ગુમાવ્યો.

ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ પર 60 હજાર ઉમેદવારોની "મહાપરીક્ષા"

ગુજરાત પોલીસ વિભાગમાં PSI તેમજ લોકરક્ષક કેડરની કુલ 13,591 ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્યભરમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી અંતર્ગત 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક કસોટી યોજાઈ રહી છે, જેમાં ભરૂચ જિલ્લાને મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

દરરોજ 16 હજાર ઉમેદવારો કસોટી આપી શકે તેવું આયોજન

ભરૂચના પોલીસ હેડક્વાર્ટર સ્થિત ગ્રાઉન્ડ પર અંદાજે 60 હજાર ઉમેદવારો શારીરિક કસોટી આપવાના છે. આગામી 13 માર્ચ સુધી દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો કસોટીમાં ભાગ લેતા હોવાથી સમગ્ર શહેરમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. પોલીસ વિભાગ દ્વારા એક સાથે રોજના આશરે 16 હજાર ઉમેદવારો કસોટી આપી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. 

શારીરિક કસોટી અને ઉમેદવાર માટે સુચારુ વ્યવસ્થા 

આ શારીરિક કસોટી દરમિયાન દોડ, ઊંચાઈ, વજન, છાતીનું માપ સહિતના માપદંડોની કડક તપાસ કરવામાં આવી રહી છે, જેથી યોગ્ય અને લાયક ઉમેદવારોની પસંદગી થઈ શકે. ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે પીવાનું પાણી, છાંયો, મેડિકલ ટીમો અને ઇમરજન્સી સારવારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. બહારથી આવનારા ઉમેદવારો માટે રહેવાની સગવડ પણ કરવામાં આવી છે.

ગ્રાઉન્ડ પર જ મેડિકલ ટીમ અને આરોગ્ય સુવિધા

ઉમેદવારોની સલામતી અને આરોગ્યને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા મેડિકલ ટીમો અને જરૂરી આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શારીરિક કસોટી દરમિયાન કોઈ પણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે તાત્કાલિક સારવારની વ્યવસ્થા રાખવામાં આવી છે.

ઉમેદવારો માટે રહેઠાણ સહિતની વ્યવસ્થા

આ ઉપરાંત, બહારથી આવનાર ઉમેદવારોને રહેવાની કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા રહેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમની પાસે રહેઠાણની વ્યવસ્થા ન હોય તેવા ઉમેદવારો માટે ખાસ સગવડ કરવામાં આવી છે. વિશાળ સંખ્યામાં ઉમેદવારોની હાજરીને કારણે ભરૂચ શહેરમાં પોલીસ ભરતી પ્રક્રિયાને લઈને વિશેષ ચહલપહલ જોવા મળી રહી છે.

વડોદરા રેન્જ IG અને ભરૂચ SPએ કરી સમીક્ષા 

ભરતી પ્રક્રિયા પારદર્શક અને શિસ્તબદ્ધ રીતે યોજાય તે માટે સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેની સમીક્ષા માટે વડોદરા રેન્જ IG સંદિપસિંહ અને ભરૂચ જિલ્લાના SP અક્ષયરાજ મકવાણાએ પોલીસ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. તેમણે ઉમેદવારો માટે કરવામાં આવેલ વ્યવસ્થા અને શિસ્તબદ્ધ આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ઉમેદવારોને સ્થળ પર પહોંચવામાં કોઈ અડચણ ન આવે તે માટે જરૂરી તમામ પગલાં લેવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.