Loading...

Gujarat Police Bharti 2026: PSI-LRD ભરતી માટે આજથી શારીરિક કસોટીનો પ્રારંભ, ઉમેદવારોમાં ક્યાંક ખુશી તો ક્યાંક નિરાશા જોવા મળી

પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ, 2026 સુધી ચાલશે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે 6 માર્ચ, 2026 સુધી કસોટીઓ યોજાશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 21 Jan 2026 11:29 AM (IST)Updated: Wed 21 Jan 2026 11:29 AM (IST)
gujarat-police-recruitment-test-update-10-lakh-candidates-in-psi-lrd-physical-test-677415

Gujarat Police Recruitment Test Update: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાનો મહત્વનો તબક્કો આજથી શરૂ થયો છે. રાજ્યભરના 15 ગ્રાઉન્ડ પર શારીરિક ક્ષમતા કસોટી (PET) અને શારીરિક માપ કસોટી (PST) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ભરતીમાં 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે, જેમના માટે આ પહેલો અને નિર્ણાયક પડાવ છે.

શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ, 2026 સુધી ચાલશે

આ કસોટીઓ 21 જાન્યુઆરીથી શરૂ થઈ છે. પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ, 2026 સુધી ચાલશે, જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે 6 માર્ચ, 2026 સુધી કસોટીઓ યોજાશે. પુરુષ ઉમેદવારોએ 25 મિનિટમાં 5000 મીટરની દોડ, મહિલા ઉમેદવારોએ 9 મિનિટ 30 સેકન્ડમાં 1600 મીટરની દોડ અને માજી સૈનિક ઉમેદવારોએ 12 મિનિટ 30 સેકન્ડમાં 2400 મીટરની દોડ પૂર્ણ કરવાની રહેશે.

ઊંચાઈ અને છાતીના માપદંડ પણ નિર્ધારિત કરાયા છે, જેમાં અનુસૂચિત જનજાતિ (ST) પુરુષો માટે 162 સે.મી. અને અન્ય માટે 165 સે.મી. તથા ST મહિલાઓ માટે 150 સે.મી. અને અન્ય માટે 155 સે.મી. ઊંચાઈ ફરજિયાત છે. તમામ પુરુષ ઉમેદવારોની છાતીનું ન્યૂનતમ માપ 79 સે.મી. અને ફુલાવા સાથે 84 સે.મી. હોવું જરૂરી છે.

આનંદ અને નિરાશાની મિશ્ર લાગણીઓ જોવા મળી

કસોટીના પ્રથમ દિવસે જ ઉમેદવારોના ચહેરા પર સફળતાનો આનંદ અને નિષ્ફળતાની નિરાશાની મિશ્ર લાગણીઓ સ્પષ્ટપણે જોવા મળી હતી. જામનગરના કાલાવડ તાલુકાના ભાવિન કિરીટકુમાર જોશીએ ગોંડલ ખાતે 24 મિનિટ 42 સેકન્ડમાં દોડ પૂર્ણ કરીને ગ્રાઉન્ડ ક્લિયર કર્યું હતું. તેમણે પોતાની સફળતાનો શ્રેય 30 દિવસની પ્રેક્ટિસ અને પરિવારના સહયોગને આપ્યો.

બીજી તરફ, મીનાબેન કનેરિયા જેવા કેટલાક ઉમેદવારો નજીવા સમયના અંતરથી કસોટીમાં પાસ થવાથી ચૂકી જતાં નિરાશ થયા હતા. બે વર્ષના બાળક સાથે પરીક્ષા આપવા આવેલ મીનાબેને જણાવ્યું કે, ગયા વખતે 3 સેકન્ડ અને આ વખતે 4 સેકન્ડનો સમય વધુ થઈ ગયો હતો, છતાં તેમનો ખાખી પહેરવાનો સંકલ્પ અડગ છે અને તેઓ PSI બનવા માટે જ તૈયારી કરવાનું ચાલુ રાખશે.

આણંદ જિલ્લામાંથી આવેલ અંજનાબેન ઠાકોરે બિમાર હોવા છતાં અને બસમાં ઓમિટિંગનો અનુભવ થયા છતાં દોડ પાસ કરીને ખુશી વ્યક્ત કરી. એક મહિલા ઉમેદવાર જેમના પગમાં છ મહિના પહેલા ઓપરેશન થયું હતું અને પ્લેટ મૂકવામાં આવી હતી, તેમણે પણ દોડવાનો પ્રયાસ કર્યો હતો, જે તેમની અદમ્ય હિંમત દર્શાવે છે. તેમની માતાએ તેમને આશ્વાસન આપતા કહ્યું કે દોડવાનો પ્રયાસ જ મહત્વનો છે.

દરેક ગ્રાઉન્ડ પર ઉચ્ચ અધિકારીઓની ઇન્ચાર્જ તરીકે નિયુક્તિ

આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું છે. દરેક ગ્રાઉન્ડ પર નાયબ પોલીસ મહાનિરીક્ષક (DIGP) અથવા પોલીસ અધિક્ષક (SP) કક્ષાના અધિકારીને ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરાયા છે, જેમની મદદ માટે 90થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે.

આ ઉપરાંત, DIGP અથવા IGP કક્ષાના અધિકારીઓ સુપરવિઝન અધિકારી તરીકે દેખરેખ રાખશે. અમદાવાદના શાહીબાગ સ્થિત જે.ડી. નગરવાલા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે દરરોજ 2200 મહિલાઓની શારીરિક પરીક્ષા લેવાનું આયોજન છે. રાજકોટના મવડી પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ પણ મહિલાઓ માટે ફાળવાયું છે, જ્યાં જૂનાગઢ અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી ઉમેદવારો પહોંચ્યા હતા.

સમગ્ર શારીરિક કસોટી CCTV કેમેરાની નજર હેઠળ યોજાઈ રહી છે અને ઉમેદવારોના બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે. દોડ કસોટીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે, જ્યારે શારીરિક માપ કસોટી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. તમામ ગ્રાઉન્ડના મોનીટરીંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે.

આ વિશાળ ભરતી પ્રક્રિયા રાજ્યના યુવાનો માટે પોલીસ દળમાં જોડાઈને દેશસેવા કરવાની સુવર્ણ તક પૂરી પાડે છે. આગામી દિવસોમાં પણ આ શારીરિક કસોટીઓ ચાલુ રહેશે, જ્યાં ઉમેદવારોની શારીરિક ક્ષમતા અને દ્રઢ મનોબળની કસોટી થશે.