Bharuch: ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં ચોંકાવનારો નવો વળાંક સામે આવ્યો છે. લગ્નના વચનોથી બંધાયેલા પ્રેમ સંબંધમાં લગ્ન ન થતાં માનસિક તણાવમાં આવી મહિલા કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે મહિલા કોન્સ્ટેબલના સહકર્મી પોલીસકર્મીની ધરપકડ કરી છે.
ભરૂચ એસપી કચેરીની LIB કચેરીમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રીતિ પરમારે 21 જાન્યુઆરીની રાત્રે પોલીસ હેડક્વાર્ટર્સ સ્થિત પોતાના રહેણાંક રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ દુઃખદ ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
આ કેસમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે આપઘાતનો ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પ્રીતિના સહકર્મીઓ, મિત્રો તથા પરિચિતોની પૂછપરછ કરવામાં આવી હતી. આ સાથે જ તેના મોબાઈલ ફોનની વિગતવાર તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે પ્રીતિ પરમારનો ભરૂચ પોલીસમાં જ ફરજ બજાવતા સંદીપ ગોહિલ નામના પોલીસકર્મી સાથે છેલ્લા દોઢ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે લગ્ન અંગે ચર્ચાઓ થતી હતી અને સંદીપ ગોહિલ દ્વારા પ્રીતિને લગ્નના વચનો આપવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
જોકે બંનેના સમાજ અલગ હોવાના કારણે લગ્ન શક્ય ન હોવાનું સ્પષ્ટ થતાં પ્રીતિ માનસિક રીતે ભાંગી પડી હતી. લગ્નના સપનાઓ તૂટતા અને પ્રેમ સંબંધમાં નિરાશા મળતા તેણી ગંભીર માનસિક તણાવમાં હતી. આ પરિસ્થિતિમાં તેણે અંતે આત્મહત્યાનું આત્યંતિક પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે સંદીપ ગોહિલ વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે પોલીસ દ્વારા કેસ સંબંધિત વધુ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી ચાલુ છે. સમગ્ર ઘટનાએ ફરી એકવાર પોલીસ વિભાગમાં આંતરિક સંબંધો અને માનસિક આરોગ્યના મુદ્દે ચર્ચા જગાવી છે.
દાહોદના ગોડી રોડ પર રખડતા શ્વાનોનો આતંક, 12 લોકોને બચકાં ભર્યા
દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ તેમજ ઘર નજીક રમી રહેલા બાળકો પર શ્વાનોએ અચાનક હુમલો કર્યો હતો. શ્વાનોના આ બેફામ હુમલાથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત થયેલા તમામ 12 લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં નાના બાળકો અને મહિલાઓની સંખ્યા વધુ હોવાથી સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
