Loading...

ભરૂચમાં પોલીસ અને NSUI વચ્ચે ઘર્ષણઃ પરવાનગી વગર ડ્રગ્સ વિરોધી રેલી કાઢતા આગેવાનોની અટકાયત, કાર્યકરોના કપડાં ફાટ્યા

ભરૂચ જિલ્લા એનએસયુઆઇ દ્વારા 'ડ્રગ્સ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Mon 02 Feb 2026 04:31 PM (IST)Updated: Mon 02 Feb 2026 04:31 PM (IST)
bharuch-news-clash-between-police-and-nsui-during-anti-drug-rally-684476

Bharuch News: ભરૂચ જિલ્લામાં એનએસયુઆઇ દ્વારા ડ્રેગ્સ વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડ્રગ્સ અને નશીલા પદાર્થોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આજે ડ્રગ્સ વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. રેલી માટે પૂર્વ પરવાનગી ન લીધી હોવાથી પોલીસે એનએસયુઆઇના કાર્યકરોને અટકાવ્યા હતા. જે દરમિયાન સ્થિતિ વણસી હતી. પોલીસે કાર્યકરોની અટકાયત કરી છે. ઘર્ષણ દરમિયાન અમુક કાર્યકરોના કપડાં ફાટી ગયા હોવાના દૃશ્યો પણ જોવા મળ્યા હતા.

ભરૂચ જિલ્લા એનએસયુઆઇ દ્વારા 'ડ્રગ્સ મુક્ત કેમ્પસ' અભિયાન અંતર્ગત શહેરના સ્ટેશન સર્કલથી કલેક્ટર કચેરી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીના પ્રારંભ પૂર્વે એનએસયુઆઇના આગેવાનોએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને યુવાધનને નશાના દૂષણથી મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પછી, કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરતા નશાખોરી સામે જાગૃતિ લાવવાના સંદેશ સાથે રેલી કાઢી હતી.

એનએસયુઆઇએ ગુજરાતમાં 'ઉડતું ગુજરાત' જેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હોવાનો આક્ષેપ કર્યો છે, જેમાં ખાસ કરીને ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓ સક્રિય બન્યા હોવાનું જણાવ્યું છે. આ મુદ્દે એક રેલી યોજીને કાર્યકરોએ રાજ્યમાં ડ્રગ્સ, ગાંજા અને દારૂના વધતા દૂષણને નિયંત્રિત કરવા અને યુવાધનને નશાની લતમાંથી બચાવવા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગ કરી છે.

વહીવટી તંત્ર દ્વારા પરવાનગી ન અપાઈ હોવા છતાં, એનએસયુઆઇના કાર્યકરોએ રેલી આગળ વધારવાનું ચાલુ રાખતા તંગદિલી સર્જાઈ હતી. રેલી રોટરી ક્લબ પાસે પહોંચતા જ આયોજકો જાહેર માર્ગ પર બેસી ગયા હતા, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. પરિસ્થિતિ વધુ વણસે નહીં તે હેતુથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા એનએસયુઆઇના તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી તેમને ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ રાજ્યમાં ડ્રગ્સ, ગાંજા અને દારૂના વધતા જતા વેપાર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રવૃત્તિઓને કારણે યુવા પેઢી બરબાદીના આરે પહોંચી રહી છે. સોલંકીએ સરકાર પર આ મામલે કોઈ અસરકારક કાર્યવાહી ન કરવાનો આક્ષેપ કર્યો હતો અને ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ભરૂચમાં યોજાયેલી આ રેલીમાં ગુજરાત એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ભરૂચ જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ યુવરાજસિંહ ચૌહાણ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિત અનેક અગ્રણી નેતાઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.