Bharuch: ઔદ્યોગિક નગરી ભરૂચમાં માનવતાને શર્મસાર કરતી અને વાલીઓની ઊંઘ હરામ કરી દે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં શહેરની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી સગીરાને તેની સ્કૂલ વાનના ચાલકે હવસનો શિકાર બનાવી છે.
સ્કૂલ વાનનો ચાલક સગીરાને અલગ-અલગ નિર્જન સ્થળોએ લઈ જઈને હવસ સંતોષતો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભરુચ તાલુકાના એક ગામમાં રહેતો આરોપી ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની વાન ચલાવવાનું કામ કરેછે. જેણે પોતાની વાનમાં આવતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું છે.
સગીરાના પરિવારજનોનો આરોપ છે કે, સ્કૂલ વાનનો ડ્રાઈવર સગીરાને લલચાવી-ધમકાવીને અલગ-અલગ અવાવરું સ્થળોએ લઈ જતો હતો. જ્યાં તે સગીરા સાથે બળજબરીથી શારીરિક સબંધ બાંધતો હતો. છેલ્લા ઘણા સમયથી આ સીલસીલો ચાલતો હતો, જેના કારણે સગીરા માનસિક તણાવમાં હતી.
સ્કૂલવાનના ડ્રાઈવરની હેવાનિયત હદ વટાવતા કંટાળેલી સગીરાએ પોતાના પરિવારજનોને આપવીતી જણાવી હતી. જેથી પરિવારજનોએ તાત્કાલિ ભરૂચ સી-ડિવિઝન પોલીસ મથકમાં જઈને સ્કૂલ વાનના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પીડિત સગીરાની ફરિયાદના આધારે પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં સ્કૂલવાનના ડ્રાઈવરને ઝઢપી પાડ્યો છે.
બીજી તરફ આ ઘટના સામે આવતા વાલીઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્કૂલ વાનના ચાલકોનું પોલીસ વેરીફિકેશન ફરજિયાત કરાવવાની માંગ ઉઠી છે. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે બાળકોની સુરક્ષા માટે માત્ર શાળા મોકલવી પૂરતી નથી, પરંતુ તેમની આસપાસના વાતાવરણ પર સતત નજર રાખવી પણ અનિવાર્ય છે.
