Jama Masjid Bharuch Dispute: ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ વિવાદના પગલે આજે ભરૂચ શહેરમાં ભારે તણાવપૂર્ણ માહોલ વચ્ચે એક વિશાળ પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય ધરોહરને સુરક્ષિત રાખવા અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે 'રાષ્ટ્રીય ધરોહર સંરક્ષણ સમિતિ' છેલ્લા 6 મહિનાથી આંદોલન ચલાવી રહી છે, જેના ભાગરૂપે આજે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો રસ્તા પર ઉતર્યા હતા.
સાધુ-સંતો અને અન્ય રાજ્યોમાંથી જનમેદની ઉમટી
ભરૂચ શહેરમાં આજે સોમવારના રોજ એક ભવ્ય અને ઐતિહાસિક જનરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચેલી આ રેલીમાં મહારાષ્ટ્રથી આવેલા ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ સંત સમાજ અગ્રેસર રહ્યા હતા.
આ ધાર્મિક અને સામાજિક રેલીમાં સાધુ-સંતોની સાથે હિન્દુ અને જૈન સમાજના અગ્રણીઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
આ પણ વાંચો
કલેક્ટરને 35 હજારથી વધુ લોકોના હસ્તાક્ષર કરેલ આવેદન સોંપાયું
જ્યારે આ રેલી શક્તિનાથ માર્ગ પરથી પસાર થઈ ત્યારે "ઐતિહાસિક સત્ય બહાર લાવો" અને "ધરોહરની મૂળ ઓળખ જાળવો" જેવા ગગનભેદી સૂત્રોચ્ચારોથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રેલીના સમાપન પર સ્વામી મુક્તાનંદ, સુદર્શન નાગરાજ કપાટે અને અન્ય અગ્રણીઓના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને મળીને ૩૫ હજારથી વધુ લોકોના હસ્તાક્ષર ધરાવતું એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
રેલીને અંતે સુદર્શન નાગરાજ કપાટે, સ્વામી મુક્તાનંદ અને વિવિધ પ્રતિનિધિ મંડળો દ્વારા જિલ્લા કલેક્ટરને 35 હજારથી લધુ લોકોની સહી વાળું આવેદન સોંપ્યું
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો, પુરાતત્વ વિભાગ હજુ મૌન
સુરક્ષાના ભાગરૂપે 1 Dysp, 1 PI, 5 PSI સહિત સ્થાનિક પોલીસ અને એસઓજી (SOG)નો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, પોલીસ આ યાત્રાને કલેક્ટર કચેરી સુધી જવા દે છે કે પછી કાયદો-વ્યવસ્થા જાળવવા અધવચ્ચે જ અટકાવી દે છે. ઉલ્લેખનીય છે કે, વિવાદિત જામા મસ્જિદ હાલ પુરાતત્વ વિભાગ (ASI) હસ્તક છે, પરંતુ આ ગંભીર માહોલ વચ્ચે હજુ સુધી વિભાગ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
