Extra Dose Cable Bridge: દિલ્હી-મુંબઈને જોડતાં નવા નેશનલ એકસપ્રેસ હાઇવે પર નર્મદા નદી પર બીજો એકસ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે . તેને વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 8 લેનના બ્રિજને ખુલ્લો મુકવાના લીધે વાહનોને ભરૂચ અને અંકલેશ્વર શહેરનો ફેરાવો ઘટી જશે. દરેક વાહનચાલકનો 30 કિમીનો ફેરાવો ઓછો થયો છે અને 90 મિનિટનો સમય બચી જાય છે.
વાહનચાલકોના સમય અને ઈંધણની બચત
દિલ્હી અને મુંબઈને જોડતાં નેશનલ એકસપ્રેસ હાઈવેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવી રહ્યો છે. આ હાઈવે પર ભરૂચના દહેગામ પાસે નર્મદા નદી પર આઠ લેનનો એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ બનીને તૈયાર છે. આ બ્રિજને વાહનો માટે ખુલ્લો મુકી દિધા બાદ હવે વાહનચાલકોના સમય અને ઈંધણની બચત થઈ રહી છે.
3 કલાકમાં કીમથી વાસદ પહોંચવામાં સરળતા
વાહનચાલકોને ભરૂચ અને અંકલેશ્વર થઈને હાંસોટવાળા રસ્તે સુરત તરફ જવું અને આવવું પડતું હતું. જેથી વાહનચાલકોના પેટ્રોલ અને સમયની બરબાદી થતી હતી. દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિકજામ રહે છે. જેથી વાહનચાલકોને 30 કિમીનો ફેરાવો થતો હતો અને હવે તે ઘટ્યો છે. નવા એકસપ્રેસ હાઇવેને હાલ વાસદથી કીમ સુધી ખુલ્લો મુકી દેવાયા, બાદ હવે વાહનચાલકો માત્ર 3 કલાકમાં સીધા વાસદથી કીમ અને કીમથી વાસદ સુધી પહોંચી રહ્યાં છે.
બ્રુકલિન બ્રિજ કરતાં 2.5 ગણાં સ્ટીલનો વપરાશ
ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇતિહાસમાં એક મહત્વપુર્ણ સિદ્ધિ તરીકે દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઇવે -4 પર નર્મદા નદી ઉપર દેશનો પ્રથમ 8-લેન એક્સ્ટ્રાડોઝડ બ્રિજ બનીને તૈયાર કરવામાં આવ્યો છે. આશરે રૂ. 817 કરોડના ખર્ચે તૈયાર 2.22 કિ.મી. લાંબો આ બ્રિજ દેશના બે મુખ્ય આર્થિક કેન્દ્રોને ઝડપી અને સરળ રીતે જોડશે.
આ પ્રોજેક્ટમાં આશરે 32 હજાર મેટ્રિક ટન રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલનો ઉપયોગ થયો છે. જે વિશ્વપ્રસિદ્ધ બ્રુકલિન બ્રિજ કરતા અંદાજે 2.5 ગણો વધારે છે. બ્રિજમાં 60 મીટરથી વધુ ઊંડા પાઇલ ફાઉન્ડેશન નાખવામાં આવેલા છે. જેથી ભારે પ્રવાહ અને પૂરની સ્થિતિમાં પણ બ્રિજ સુરક્ષિત રહી શકે. આ આધુનિક બ્રિજ 10 જાન્યુઆરી, 2026થી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
મુસાફરીના સમયમાં 12 કલાક ઘટાડો
પ્રોજેક્ટ ડિરેક્ટર સંજયકુમાર યાદવના જણાવ્યા મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે દેશનો સૌથી લાંબો રોડ કોરિડોર છે, જે મુસાફરીનો સમય 10થી 12 કલાક સુધી ઘટાડવામાં મદદરુપ સાબિત થશે.. અંકલેશ્વર-મનુબાર સેક્શનમાં આવેલો આ નર્મદા બ્રિજ હવે આ કોરિડોરની નવી ઓળખ બની રહ્યો છે.
