Ankleshwar Murder: ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાંથી માનવ સંબંધોને લજવતી અને કાયદો-વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂના બોરભાઠા રોડ પર બુલેટ ટ્રેનના બ્રિજ નજીક આવેલા એક અવાવરુ ખેતરમાંથી મળી આવેલી રિક્ષા ચાલકની હત્યા કરાયેલી લાશનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. આ મામલે પોલીસે મૃતકની ભાભી અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બોરભાઠા તળાવ નજીક હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલા યુવકની ઓળખ મુકેશ મોભેરા તરીકે થઈ છે. વ્યવસાયે રિક્ષા ચાલક મુકેશના ગળાના ભાગે ચપ્પુના આડેધડ ઘા ઝીંકરવામાં આવ્યા હતા. મુકેશને મોતને ઘાટ ઉતાર્યા બાદ હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે તેની લાશને બુલેટ ટ્રેન નજીકના અવાવરું ખેતરમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ટેક્નીકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં મુકેશની હત્યા પાછળ બીજું કોઈ નહીં, પરંતુ તેના જ પિતરાઈ ભાઈની પત્ની એટલે કે તેની ભાભીનો જ હાથ હોવાનું સામે આવ્યું છે.
મૃતક મુકેશને તેની જ ભાભી સાથે આડા સબંધો હતા. આ મહિલાને અન્ય સંજય વસાવા નામના યુવક સાથે પણ પ્રેમ સબંધ બંધાયો હતો. આ પ્રણય ત્રિકોમાં મુકેશ આડખીલીરૂપ બનતો હોવાથી તેનો કાંટો કાયમ માટે કાઢી નાંખવા માટે મહિલાએ પોતાના બીજા પ્રેમી સાથે મળીને મુકેશની હત્યા કરી હતી. હાલ તો પોલીસે મહિલા અને તેના પ્રેમી સંજય વસાવાની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
