પ્રશાંત ગજ્જર, Bharuch Murder: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નવા બોરભાઠા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મોબાઇલના ઉપયોગ જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં લીવ-ઇન રિલેશનશીપમાં રહેતા પ્રેમીએ જ પોતાની પ્રેમિકાની હથોડાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જમતી વખતે મોબાઈલના ઉપયોગને લઈને માથાકૂટ થઈ હતી
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, નવા બોરભાઠા ગામમાં તક્ષશિલા સ્કૂલ પાછળ આવેલી સોસાયટીમાં 24 વર્ષીય જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડ અને 30 વર્ષીય રેણુકા રાઠોડ છેલ્લા ચાર મહિનાથી લીવ-ઇન રિલેશનશીપમાં સાથે રહેતા હતા. આ દરમિયાન જમતી વખતે મોબાઈલના ઉપયોગને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય તકરાર એટલી હદે વધી ગઈ કે, જગદીશ ગુસ્સામાં પાગલ બની ગયો હતો.
બાળકો અને માતાની હાજરીમાં હુમલો
માથે ખૂન સવાર થતાં જગદીશે ઘરમાં પડેલા હથોડા વડે રેણુકા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલો રેણુકાના પરિવારજનોની હાજરીમાં જ થયો હતો. મૃતક રેણુકાના અગાઉના લગ્નથી બે સંતાનો હતા, જે તેની સાથે રહેતા હતા. માતાની નજર સામે જ બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે બાળકો અને રેણુકાની માતા આઘાતમાં સરી પડ્યા છે.
હથોડાના ઘાને કારણે રેણુકાના મોઢા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ થતાં તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક ગડખોલ પીએચસી ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ ગંભીર સ્થિતિને જોતા તેને સુરત સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવી હતી, પરંતુ સારવાર સારવાર દરમિયાન તેનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપી જગદીશ ઉર્ફે જગ્ગો રમેશ રાઠોડને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરાવી દીધી છે.
