Bharuch Crime News: ભરૂચ શહેરમાં વ્યાજખોરોના ત્રાસ અને ધમકીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. એક વેપારીને વ્યાજની ચુંગાલમાં ફસાવીને આરોપીએ લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે તુલસીધામ વિસ્તારમાં કપડાંનો વેપાર કરતા દિલીપકુમાર સુધારે ભરૂચ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને વ્યાજખોર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
3 લાખની સામે 18 લાખની પઠાણી ઉઘરાણી
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વેપારી દિલીપકુમારે વર્ષ 2022માં પોતાના વેપારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ નામના વ્યક્તિ પાસેથી આશરે 3 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. આ સમયે રકમ વ્યાજ સાથે પરત કરવાની શરત નક્કી થઈ હતી. લેણદેણની ખાતરી માટે વેપારીએ આરોપીને ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા.
જોકે, વેપારીનો આક્ષેપ છે કે આરોપી દ્વારા વ્યાજના નામે વારંવાર દબાણ કરીને અલગ અલગ સમયે કુલ આશરે 18 લાખ રૂપિયા જેટલી જંગી રકમ ઉઘરાવી લેવામાં આવી છે. આરોપીની ભૂખ અહીં જ ન સંતોષાતા તેણે વેપારીને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
માર માર્યો, ધમકી અને ગાળો આપી
અરજીમાં કરેલા આક્ષેપ મુજબ, આરોપી વારંવાર વેપારીની દુકાને જઈને ઝઘડો કરતો અને અપશબ્દો બોલીને વધુ પૈસા માટે દબાણ કરતો હતો. આ સમગ્ર અમાનવીય ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભરૂચમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
એટલું જ નહીં, એક વખત વેપારીને બળજબરીથી કારમાં બેસાડીને અન્ય સ્થળે લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. વ્યાજખોરે વેપારીના પરિવાર સામે પણ અપમાનજનક ભાષામાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
સતત ત્રાસ, મારપીટ અને દબાણથી કંટાળી ગયેલા વેપારીએ આખરે પોલીસનું શરણું લીધું છે. ભરૂચ સી-ડિવિઝન પોલીસે વેપારીની અરજીના આધારે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે આરોપી સામે આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
