ભરૂચમાં ડબલ મર્ડરઃ સસરાએ પુત્રવધુ અને વેવાણને ઘરમાં ઘૂસીને ચાકુના આડેધડ ઘા ઝીંકી પતાવી દીધા, પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો

અજાણ્યા ઈસમોએ અલગ-અલગ મકાનોમાં ઘૂસીને અચાનક હુમલો કરતાં પરિવારના સભ્યોએ ચીસાચીસ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા, જેથી હુમલાખોરો ફરાર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 10 Jun 2026 04:44 PM (IST)Updated: Thu, 11 Jun 2026 12:03 AM (IST)
bharuch-crime-news-double-murder-in-vohrawad-and-kothi-area
HIGHLIGHTS
  • ભરૂચના શાંત ગણાતા વ્હોરાવાડ અને કોઠી વિસ્તારમાં હત્યાના બનાવથી અરેરાટી
  • હુમલાખોરોને પકડવા પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી, CCTV ફૂટેજ કબ્જે કર્યાં

Bharuch Double Murder: ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ શાંત ગણાતા વ્હોરાવાડ અને કોઠી વિસ્તારમાં ગઈકાલે ડબલ મર્ડરની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સસરાએ પુત્રવધુ અને વેવાણ પર તિક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ જીવલેણ હુમલા બાદ હત્યારા સસરાએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

અચાનક ઘરમાં ઘૂસીને હથિયારો લઈ તૂટી પડતાં પરિવારે ચીસાચીસ કરી મૂકી

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભરૂચના કોઠી વિસ્તારના ડૉ. યુસુફ ઝનોરવાલાના પિતા ઝૈનુલ અબ્બાસે પોતાની પુત્રવધુ અલિફીયા ઝનોરવાલા અને તેની માતા શહેનાઝબેન નમકવાલા પર ધારદાર ચપ્પુ વડે હુમલો કરીને બન્નેને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદ હુમલાખોર ઝૈનુલે પણ પોતાના પર છરી વડે હુમલો કરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન માતા-પુત્રીની બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ હુમલામાં અલિફીયા અને તેની માતા શહેનાઝબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપડ્યું છે. જ્યારે આપઘાતનો પ્રયાસ કરનાર ઝૈનુલ અબ્બાસની હાલત નાજુક હોવાથી તેમને લોહીલુહાણ હાલતમાં ભરૂચની સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત વધારે ગંભીર જણાતા ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં ભરૂચ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હજુ સુધી હુમલો કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. હાલ તો પોલીસે ગુનો નોંધીને ઘટના સ્થળની આસપાસના CCTV ફૂટેજ મેળવવા સાથે પરિવારજનોના નિવેદનો નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.