Loading...

Bharuch: અંકલેશ્વરમાં પિતા-પુત્રીના સંબંધને લજવતી ઘટના; 11 વર્ષની પુત્રી પર દુષ્કર્મ કર્યાનો પિતા પર ગંભીર આરોપ

અંકલેશ્વરમાં સગા પિતા પર જ 11 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Mon 30 Mar 2026 10:38 AM (IST)Updated: Mon 30 Mar 2026 10:38 AM (IST)
bharuch-ankleshwar-father-allegation-rapes-11-year-old-daughter-girl-pregnant-police-arrest-accuse-718076
HIGHLIGHTS
  • જામનગરનો પરિવાર અંક્લેશ્વર જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો
  • આરોપી પિતાએ સગીરા પર દુષ્કર્મ આચર્તા ગર્ભવતી બની
  • માતાએ આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં માનવતાને શર્મસાર કરે તેવી આઘાતજનક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, અંકલેશ્વરમાં સગા પિતા પર જ 11 વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી થઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જે મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

પેટમાં દુ:ખાવો ઉપડતા ભાંડો ફૂટ્યો

મળતી વિગતો મુજબ, મૂળ જામનગરનો એક પરિવાર રોજગારી અર્થે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહી મજૂરીકામ કરે છે. આ પરિવારની સૌથી મોટી સાડા અગિયાર વર્ષની દીકરીને છેલ્લા બે દિવસથી પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.ત્યારે પરિવાર સગીરાને લઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં તબીબી પરીક્ષણ દરમિયાન તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. રિપોર્ટમાં બાળકી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.

સગા પિતા પર દુષ્કર્મનો આક્ષેપ

બાળકીની પૂછપરછ દરમિયાન જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને પરિવાર અને પોલીસ સ્તબ્ધ થઈ ગયા હતા. માસૂમ બાળકીએ રડતા-રડતા આપવીતી વર્ણવી હતી કે, જાન્યુઆરી મહિનામાં જ્યારે તેઓ અંકલેશ્વરમાં રહેતા હતા.ત્યારે 35 વર્ષીય પિતાએ તેની સાથે અનેકવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે સગીરાને માસિક ન આવતા માતાને શંકા ગઈ હતી. જે બાદ તબીબી તપાસમાં સમગ્ર હકીકતનો ખુલાસો થયો હતો.

હિંમતવાન માતાએ પોલીસના દ્વાર ખખડાવ્યા

પોતાના અન્ય ચાર સંતાનો પણ આ હવસખોર બાપનો શિકાર ન બને તે હેતુથી પીડિતાની માતાએ હિંમત દાખવી જામનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. જામનગર પોલીસે ગુનાની ગંભીરતા જોઈ તાત્કાલિક અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપી પિતાની ધરપકડ કરી છે.

મેડીકલ પરીક્ષણ પછી કાર્યવાહી

"આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. અન્ય સંતાનો સુરક્ષિત છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે." હાલમાં પોલીસે આરોપીનું મેડિકલ પરીક્ષણ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ સમાજમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધો સામે અનેક સવાલો ઉભા કર્યા છે.