Jambusar road accident: જંબુસર તાલુકાના દેવકુઈ ગામ નજીક વડોદરા હાઈવે પર એક અત્યંત ભયાનક અને ગોઝારો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક સિમેન્ટ મિક્સર ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ સ્ટેન્ડ પાસે ઉભેલા એક શ્રમિક પરિવારને અડફેટે લીધો હતો. આ બનાવમાં એક 11 વર્ષની બાળકીનું મોત થયું છે.
દાહોદના શ્રમિક પરિવારને ટ્રકે મારી ટક્કર
આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાનો આ શ્રમિક પરિવાર મજૂરી કામ અર્થે આ વિસ્તારમાં આવ્યો હતો. આ પરિવાર દેવકુઈ ગામના બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો, તે જ સમયે બેફામ ગતિએ આવતા સિમેન્ટ મિક્સર ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ બનાવમાં પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા છે.
માસુમ બાળકીનું મોત, ત્રણ લોકો ઘાયલ
આ અકસ્માત એટલો ભીષણ હતો કે 11 વર્ષીય હેતલ છત્રાભાઈ નામની માસૂમ બાળકીનું શરીર ટ્રકના તોતિંગ ટાયરો નીચે કચડાઈ જતા તેનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ દુર્ઘટનામાં મૃતક હેતલની બહેન, એક અન્ય બાળક અને એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

વાહનો-લારીનો કચ્ચરઘાણ, ચાલક ફરાર
બેફામ બનેલા ટ્રકે માત્ર આ પરિવારને જ નહીં, પરંતુ નજીકમાં આવેલી સેવ-ઉસળની એક લારી, એક ટ્રેક્ટર અને બે મોટરસાયકલને પણ પોતાની ઝપેટમાં લીધા હતા. ટ્રકની જોરદાર ટક્કરથી આ તમામ વાહનોનો કુરચો બોલી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડ્યા
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ એક મહિલા અને બાળકની હાલત વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
પોલીસ કાર્યવાહી અને લોકોમાં ભારે રોષ
આ ઘટનાની જાણકારી મળતા જ જંબુસર પોલીસની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક હેતલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. બીજી તરફ ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ ટીમે તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ આકસ્મિક અને કરુણ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર જંબુસર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
