Bharuch: અંકલેશ્વરમાં કાળમુખી ક્રેનની અડફેટે બે વર્ષની બાળકીનું મોત, રસ્તો ઓળંગતી વખતે કચડી નાંખી

અકસ્માતના પગલે ટોળે વળેલા સ્થાનિકોમાં ભારે રોષ. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે માંડ-માંડ મામલો થાળે પાડ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 18 Feb 2026 08:48 PM (IST)Updated: Wed, 18 Feb 2026 08:48 PM (IST)
ankleshwar-accident-2-year-old-girl-killed-after-being-hit-by-crane-near-rajpipla-chokdi
HIGHLIGHTS
  • રાજપીપળા ચોકડી નજીકનો બનાવ, અકસ્માત સર્જી ડ્રાઈવર ફરાર

Bharuch: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં અકસ્માતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં અહીની રાજપીપળા ચોકડી નજીક બેફામ ક્રેનની અડફેટે ચડી ગયેલી બે વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માત સર્જ્યા બાદ ક્રેનનો ચાલક પોતાનું વાહન ઘટના સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અનિલ ભુરિયા પોતાના પરિવાર સાથે રાજપીપળા ચોકડી નજીક ઝૂંપડા રહે છે. આજે તેમની બે વર્ષની દીકરી સલોમી રસ્તો ઓળંગી રહી હતી, ત્યારે પુરપાટ પસાર થતી ક્રેનના ચાલકે સલોમીને અડફેટમાં લીધી હતી. ક્રેન હેઠળ કચડાઈને સલોમીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ.

આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એખઠા થઈ ગયા હતા. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ ક્રેન મૂકીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. જેને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બાબતની જાણ થતાં GIDC પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ તો પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને CCTV ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા ક્રેન ચાલકની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.