Aravalli News: ધુળેટી રમીને શરીર સાફ કરવા ગયેલા બે પિતરાઈ ભાઈઓ તળાવમાં ડૂબ્યા, મોડાસા ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા મૃતદેહ

તહેવારોના સમયે જળાશયો કે તળાવો પાસે જતી વખતે રાખવામાં આવતી સાવચેતી કેટલી અનિવાર્ય છે, તે આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 04 Mar 2026 03:36 PM (IST)Updated: Wed, 04 Mar 2026 03:36 PM (IST)
two-children-died-after-drowning-in-a-lake-in-malpur-aravalli

Aravalli News: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવા (જાંબુ ફળી) ગામે આજે ધુળેટીના તહેવારની ઉજવણી લોહીલુહાણ સાબિત થઈ છે. રંગોના પર્વની ઉજવણી કરી રહેલા બે માસૂમ બાળકો માટે ગામનું તળાવ કાળમુખું સાબિત થયું હતું. શરીર પરથી રંગ સાફ કરવા તળાવમાં નહાવા ઉતરેલા બે પિતરાઈ ભાઈઓના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજતા ડામોર પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

કેવી રીતે સર્જાઈ આ કરુણ ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, માલપુરના નવા જાંબુ ફળી વિસ્તારમાં રહેતા રાયચંદ ડામોર અને જૈમીન ડામોર નામના બે તરુણો આજે સવારથી ધુળેટી રમી રહ્યા હતા. બપોરના સમયે શરીર પર લાગેલો રંગ સાફ કરવા અથવા નહાવાના આશયથી બંને ભાઈઓ ગામના તળાવે ગયા હતા. રમત-રમતમાં બંને બાળકો તળાવના કિનારાથી આગળ નીકળી ગયા હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. મૃતક બાળકો ધોરણ 5 અને 6માં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. હજુ તો જીવનની શરૂઆત કરી રહેલા આ બે આશાસ્પદ બાળકો કાળના પંજામાં હોમાઈ જતાં ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા છે.

ફાયર બ્રિગેડ અને ગ્રામજનોની દોડધામ

બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની જાણ વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ હતી. સેંકડો ગ્રામજનો તળાવ કિનારે ઉમટી પડ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ બાળકોને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની ગંભીરતા જોઈને તત્કાલિક મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મોડાસાથી ફાયર બ્રિગેડના જવાનો આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને ભારે જહેમત અને શોધખોળ બાદ ફાયરના જવાનોએ બંને તરુણોના નિપ્રાણ દેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

પોલીસ કાર્યવાહી અને શોકનો માહોલ

ઘટનાની જાણ થતા જ માલપુર પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને પિતરાઈ ભાઈઓના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે માલપુર CHC (રેફરલ હોસ્પિટલ) ખાતે ખસેડવામાં આવ્યા છે. અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરિવાર પર વજ્રઘાત

હોળી-ધુળેટી જેવા મોટા તહેવારના દિવસે જ ઘરના બે ચિરાગ ઓલવાઈ જતાં ડામોર પરિવાર પર વજ્રઘાત થયો છે. જે ઘરમાં સવારે રંગો અને ખુશીઓનો માહોલ હતો, ત્યાં અત્યારે હૈયાફાટ રુદન અને આક્રંદ સંભળાઈ રહ્યું છે. સમગ્ર નવા જાંબુ ફળી ગામમાં આજે કોઈના પણ ઘરે ચૂલો સળગ્યો નથી અને આખું ગામ આ દુઃખદ ઘટનામાં સહભાગી બન્યું છે.

તહેવારોના સમયે જળાશયો કે તળાવો પાસે જતી વખતે રાખવામાં આવતી સાવચેતી કેટલી અનિવાર્ય છે, તે આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે. માલપુરની આ ઘટનાએ વાલીઓ માટે પણ એક લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે.