Gujarat Rain: ગુજરાતના દસેક તાલુકામાં વરસાદી માહોલ, અરવલ્લીના ભિલોડામાં ભારે પવન સાથે દોઢ ઈંચ ખાબક્યો

ચોમાસાના વિલંબ વચ્ચે ગુજરાતમાં પ્રી-મોન્સૂન ગતિવિધિ શરૂ થઈ છે, જેમાં અમદાવાદ સહિત દસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો. અરવલ્લીના ભિલોડામાં દોઢ ઈંચથી વધુ વરસાદ પડ્યો જ્યારે અમદાવાદમાં વરસાદી છાંટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 18 Jun 2026 12:14 AM (IST)Updated: Thu, 18 Jun 2026 12:14 AM (IST)
gujarat-premonsoon-rain-bhiloda-gets-15-inches-ahmedabad-cools

Gujarat Rain: નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ સિસ્ટમ વિખેરાઈ જતાં ગુજરાતમાં ચોમાસાના પ્રવેશમાં વિલંબ થઈ રહ્યો છે. જૂનની શરૂઆતથી જ ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને બફારાનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે આજથી પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ વેગ પકડ્યો હોય તેમ ગુજરાતના અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ જાન્યો છે.

અમદાવાદના વાતાવરણમાં પલટો, વરસાદી છાંટાથી ઠંડક પ્રસરી

જો અમદાવાદની વાત કરીએ તો, આજે સવારથી શહેરમાં ધૂપછાવ ભર્યા વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં સેટેલાઈટ, બોપલ, એસ.જી હાઈવે, ઈસ્કોન, ગોતા, જગતપુર, શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ ઉપરાંત અમદાવાદના ગ્રામ્ય ધોલેલા તેમજ બગોદરા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટું વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.

અરવલ્લીના ભિલોડામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો

આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 10 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જે પૈકી અરવલ્લી જિલ્લાના ભીલોડામાં ભારે પવન સાથે સૌથી વધુ 40 મિ.મી. (1.57 ઈંચ) વરસાદ વરસ્યો હતો. આ સિવાય મહીસાગરના વીરપુરમાં 4 મિ.મી, જૂનાગઢના કેશોદમાં 3 મિ.મી, સાબરકાંઠાના વિજયનગર અને ઈડરમાં 2-2 મિ.મી ઉપરાંત આણંદના બોરસદ, જૂનાગઢના મેંદરડા તેમજ નવસારીમાં 1-1-1 મિ.મી વરસાદ વરસ્યો છે. આ સિવાય ખેડા, વડોદરા અને આણંદ જિલ્લાના કેટલાક ગામડાઓમાં પણ વરસાદી છાંટા નોંધાયા છે.