Aravalli: મોડાસામાં વર્ષો જૂના રોકડિયા હનુમાનજી મંદિરનું ડિમોલિશન, મોડી રાત્રે નારાજ ભક્તોએ હોબાળો મચાવ્યો

મોડાસાના માલપુર રોડ પર દબાણ હટતા હવે વાહનચાલકો માટે રસ્તો વધુ ખુલ્લો બનશે. 

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 12 May 2026 09:11 AM (IST)Updated: Tue, 12 May 2026 09:11 AM (IST)
modasa-rokadia-hanuman-temple-demolition-and-protest-aravalli-news
HIGHLIGHTS
  • મોડાસમાં રોકડિયા હનુમાન મંદિરનું ડિમોલિશન
  • સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ થઈ કાર્યવાહી

Modasa Rokadiya Hanuman Temple Demolition: ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો અને ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આ જ ક્રમમાં, અરવલ્લી જિલ્લાના મોડાસામાં માલપુર ચાર રસ્તા પર આવેલા વર્ષો જૂના રોકડિયા હનુમાનજીના મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે, આ મામલે હિન્દુ સંગઠનોમાં નારાજગી પ્રસરી છે.

મોડી રાત્રે ભક્તો અને સંગઠનોનો હોબાળો

વર્ષો જૂનું રોકડિયા હનુમાનજી મંદિર તોડવામાં આવતા લોકોની શ્રદ્ધાને ઠેસ પહોંચી હતી, અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. આ મંદિર તોડવા મુદ્દે ગઈકાલે મોડી રાત્રે સંગઠનોનું ટોળું મંદિર ખાતે એકઠું થયું અને ભારે હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિને થાળે પાડવા અને ટોળાને વિખેરવા માટે મોડાસા ટાઉન પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવામાં આવ્યો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી

આ અંગે DySP જે. ડી. વાઘેલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, રોકડિયા હનુમાન મંદિરનું જે ધાર્મિક દબાણ છે તે અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણો હટાવવાના આદેશના પગલે, તંત્ર દ્વારા જનતા સાથે સમજાવટ કરીને આ કામગીરી કરવામાં આવી છે. 

બીજી તરફ, નામદાર સુપ્રીમ કોર્ટના આદેશનું અને કાયદાનું સન્માન કરીને મંદિરના સાધુ-સંતો અને ભક્તોએ જાતે જ આગળ આવીને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. મોડાસાના મુખ્ય માર્ગો પૈકીના એક એવા માલપુર રોડ પરથી આ દબાણ હટતા હવે વાહનચાલકો અને રાહદારીઓ માટે રસ્તો વધુ ખુલ્લો બનશે. 

હિન્દુ સંગઠનોમાં નારાજગી અને ન્યાયની માંગ

આ નિર્ણયથી શ્રદ્ધાળુઓ માટે ભાવનાત્મક રીતે કપરી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક હિન્દુ સંગઠનોમાં આ કાર્યવાહીને લઈને નારાજગી જોવા મળી રહી છે. સંગઠનોની ઉગ્ર માંગ છે કે જો આસ્થાના સ્થાનો દૂર કરવામાં આવતા હોય, તો ભેદભાવ વિના આસપાસના અન્ય તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો પણ સમાન રીતે દૂર કરવામાં આવે.