Gujarat unseasonal rain: કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ, શામળાજી સહિત અરવલ્લી-સુરેન્દ્રનગરમાં માવઠા નોંધાયા

હવામાન વિભાગ અનુસાર, આગામી 7 દિવસ રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 05 May 2026 08:40 AM (IST)Updated: Tue, 05 May 2026 08:40 AM (IST)
gujarat-unseasonal-rains-in-shamlaji-aravalli-surendranagar-weather-update
HIGHLIGHTS
  • કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદ
  • શામળાજી, મેઘરજ અને માલપુરમાં માવઠા
  • સુરેન્દ્રનગરના સાયલામાં પવન સાથે માવઠું

Gujarat unseasonal rains: ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી માવઠું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, અને લોકોને ઉકળાટમાંથી આંશિક રાહત મળી છે.

અરવલ્લી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ

ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આકાશ વાદળછાયું બન્યા બાદ યાત્રાધામ શામળાજી સહિત આસપાસના સુનોખ અને વાશેરાકંપા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત, મેઘરજના ગ્રામ્ય વિસ્તારો, મોડાસાના નાંદીશણ પંથક તેમજ માલપુર તાલુકામાં પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા પવન ફૂંકાયો હતો. ઈસરી અને જીતપુર પંથકમાં પવનના ભારે સૂસવાટા સાથે વરસાદ વરસતા રસ્તાઓ ભીના થઈ ગયા હતા. આ અણધાર્યા વરસાદને કારણે સમગ્ર અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

સાયલા-રાણપુરમાં પણ વરસાદી ઝાપટા

બીજી તરફ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પણ ગત મોડી સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાયલા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉનાળાની મધ્યમાં કમોસમી વરસાદ પડતા સ્થાનિક લોકોએ આશ્ચર્ય અનુભવ્યું હતું.

બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી માવઠા નોંધાયા હતા. રાણપુર ઉપરાંત ખોખનીયા, માલણપુર, રાજપુરા અને નાગનેશમાં પણ ભારે પવન ફૂંકાયો અને કમોસમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી શું છે? 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શકે છે, જેથી લોકોને ગરમીનો અહેસાસ ચાલુ રહેશે.