Aravalli: શામળાજી નજીક ટ્રકમાં લાકડાના ભૂસાની આડમાં રાજસ્થાનથી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત

ટ્રકમાં લાકડાના ભૂસાની બોરીઓ હટાવતા નીચે દારૂ અને બીયરની પેટીઓ મળી આવી, જે રાજસ્થાનના બુટલેગર રાજુ મારવાડીએ ભરીને અમદાવાદ ડિલિવરી આપવા મોકલી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 26 Mar 2026 11:21 PM (IST)Updated: Thu, 26 Mar 2026 11:21 PM (IST)
aravalli-smc-busts-rs-1-4-crore-liquor-smuggling-racket-hidden-under-wood-dust
HIGHLIGHTS
  • અલગ-અલગ બ્રાન્ડની 27840 દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત

Aravalli: અરવલ્લી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. જેમાં SMCની ટીમે શામળાજી નજીકના કારછા ગામ પાસે ટ્રકમાં લાકડાના ભૂસાની આડમાં સંતાડીને લઈ જવામાં આવતા વિદેશી શરાબના જથ્થા સહિત 1.14 કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે.

હકીકતમાં SMCની ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક ટ્રકમાં દારૂનો જંગી જથ્થો ભરીને ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે SMCની અલગ-અલગ ટીમોએ હાઈવે અને હોટલો પર વોચ ગોઠવી હતી.

આ દરમિયાન કારછા ગામ નજીક બાતમી મુજબનો ટ્રક જણાતા તેને આંતરીને તલાસી લેવામાં આવી હતી. ટ્રકની તલાસીમાં ઉપર લાકડાના ભૂસાની બોરીઓ ગોઠવવામાં આવી હતી. જ્યારે ભૂસાની નીચે દારૂની બોટલો અને બીયરના ટીનનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસની ટીમે રાજસ્થાનના ઝાલાવાડમાં રહેતા ટ્રક ડ્રાઈવર રાકેશ વણઝારાને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં સામે આવ્યું કે, રાજસ્થાનના બુટલેગર રાજુ મારવાડીએ આ દારૂનો જથ્થો ભરીને આપ્યો હતો, જેને અમદાવાદના બુટલેગરને ડિલિવરી આપવાની હતી.

હાલ તો SMCની ટીમે અલગ-અલગ બ્રાન્ડની 27,840 વિદેશી શરાબની બોટલો અને બીયરના ટીન, ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત રૂ. 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ટ્રકના માલિક, ડ્રાઈવર અને બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરીને સમગ્ર કેસની તપાસ અરવલ્લી જિલ્લા LCBને સોંપવામાં આવી છે.