Arvalli Crime News: અરવલ્લી જિલ્લાના મેઘરજની 25 વર્ષીય યુવતી સાથે એક ચોંકાવનારો બનાવ બન્યો છે. આ યુવતીના સંપર્કમાં આવેલા એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અલગ-અલગ સ્થળો પર લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, પોતે પરિણીત હોવાનું જણાવી અંતે યુવકે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ચાની કિટલી પર આરોપી સાથે થયો સંપર્ક
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર, ભોગ બનનાર મેઘરજની 25 વર્ષીય યુવતી આરોપી સાથે એકાદ મહિના પહેલા પરિચયમાં આવી હતી. આરોપી મૂળ હિંમતનગરના રાયગઢનો મહેશ ઓડ છે, અને તે મેઘરજ તાલુકા પંચાયતમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો. ભોગ બનનાર યુવતીના પિતા મેઘરજ તાલુકા પંચાયત કચેરી પાસે છેલ્લા 16 વર્ષથી ચાની દુકાન ચલાવે છે.
પ્રેમજાળમાં ફસાવી ફરવા લઈ ગયો
આરોપી મહેશ ઓડ ભોગ બનનાર યુવતીના પિતાની દુકાન પર ચા પીવા આવતો હતો. એક માસ પહેલા જાન્યુઆરી દરમિયાન યુવતી સાથે આરોપીનો પરિચય થયો, બાદમાં સમય જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધમાં શરૂ થયો હતો. ભોગ બનનાર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, 28 જાન્યુઆરીના રોજ આરોપી તેને મોડાસા લઈ જવાનું કહીને કારમાં લઈ ગયો હતો.
હોટલમાં વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા
જોકે, બાદમાં આરોપી યુવતીને શામળાજી, ઉદયપુર, દિલ્હી, શ્રીનગર, કુલ્લુ-મનાલી અને અમૃતસર જેવા વિવિધ સ્થળોએ ફરવા લઈ હતો. આ દરમિયાન હોટેલોમાં રોકાણ કરીને આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા. આ પ્રવાસ બાદ આરોપી યુવતીને લઈને અમદાવાદ આવ્યો અને મૈત્રી કરાર કરાવ્યા હતા. ગાંધીનગરની હોટલમાં પણ આરોપીએ યુવતી સાથે શારીરિક સુખ માણ્યું.
આ પણ વાંચો: Aravalli: ભીલોડામાં લગ્નના વરઘોડામાં લોહી રેડાયું, જૂની અદાવતમાં 8 ઈસમોએ યુવકને રહેંસી નાંખ્યો
લગ્નની વાત આવતા કર્યો ઘટસ્ફોટ
થોડા સમય બાદ 23 ફેબ્રુઆરીએ પીડિત યુવતીએ લગ્ન કરવાની જીદ કરતા આરોપી મહેશ ઓડ ઉશ્કેરાઈ ગયો હતો. વધુમાં, આરોપીએ ઘટસ્ફોટ કરતા કહ્યું કે, તે પહેલાથી પરિણીત છે અને ચાર સંતાનોનો પિતા છે. લગ્નની ના પાડવાની સાથે આરોપીએ યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને યુવતીને છોડી દીધી હતી.
જેલ હવાલે થયો આરોપી મહેશ ઓડ
આ જાણ્યા બાદ યુવતી સીધી મોડાસાના નારીગૃહમાં પહોંચી હતી. બીજી તરફ પરિવારે પણ તેને હિંમત આપતા યુવતીએ મહેશ ઓડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી મહેશ ઓડની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા, 26 ફેબ્રુઆરીએ તેને મોડાસા સબજેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસે આ ગંભીર મામલે વધુ તપાસ તેજ કરી છે અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે.
