Anand unseasonal rain: આણંદ શહેર અને આસપાસના વિસ્તારમાં ગુરૂવારે સાંજના સમયે અચાનક હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ભારે પવન અને કમોસમી વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ભારે પવનના કારણે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં 5 જેટલા ઝાડ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. આણંદ જિલ્લાના પેટલાદ અને ખંભાતમાં 4 mm તથા તારાપુર, આણંદ શહેર અને બોરસદમાં 2 mm વરસાદ નોંધાયો હતો.
કયા વિસ્તારમાં પડ્યા ઝાડ?
સાંજના સમયે અચાનક મોસમ બદલાતા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા વિદ્યાનગર ડી-માર્ટ સામે, ગામડી ગામે, વિદ્યાનગર રોડ ઉપર APC સર્કલ પાસે, હરિઓમ નગર પાસે અને અનમોલ બેકરી પાસે મોટા ઝાડ જમીનદોસ્ત થયા હતા. આ વાવાઝોડા વચ્ચે બાકરોલ ગેટ પાસે સામાન્ય આગ લાગવાનો બનાવ પણ નોંધાયો હતો.
મહાનગરપાલિકાની ત્વરિત કામગીરી
શહેરમાં વૃક્ષો પડવાની અને આગ લાગવાની જાણ થતા જ આણંદ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તાત્કાલિક મનપાની ટીમને રવાના કરવામાં આવી હતી. કમિશનરના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.

ટૂંક સમયમાં જ તમામ 5 જગ્યાઓ ખાતે રસ્તા પર પડેલા ઝાડને હટાવી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, બાકરોલ ગેટ પાસે લાગેલી આગને પણ તાત્કાલિક બુઝાવી દેવામાં આવી હતી. નગરજનોને વાહનવ્યવહારમાં કે અન્ય કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે મનપા દ્વારા તમામ રસ્તાઓ તાત્કાલિક ધોરણે પૂર્વવત કરી દેવામાં આવ્યા છે.
આ જિલ્લામાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 20 માર્ચ, શુક્રવારના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ત્યારબાદ, તેમાં 3-5 ડિગ્રીનો વધારો થઇ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે. ત્યારબાદ, તેમાં 2-3 ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદ શહેરમાં પણ આગામી સમયમાં હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે છાંટા પડવાની પૂરી શક્યતા છે. શહેરનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.
