Anand News: ભારત સરકાર દ્વારા આયોજિત વસ્તી ગણતરી 2026 ના કાર્યક્રમ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં વસ્તી ગણતરી સંદર્ભે પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દરેક મકાનોને નંબરો આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી રાષ્ટ્રીય કામગીરી હોય મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા દરેક નગરજનોને સાથ અને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે. આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા 13 જેટલી ટીમ બનાવવામાં આવી છે, આ ટીમ દ્વારા મત ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વધુમાં મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપને ત્યાં મહાનગરપાલિકા ની ટીમ વસ્તી ગણતરી માટે આવે ત્યારે મહાનગરપાલિકા ના દરેક કર્મચારીઓને ઓળખપત્ર આપવામાં આવ્યું છે તે ઓળખપત્ર અધિકારીઓ/કર્મચારીઓ નગરજનોને દેખાય તે રીતે લગાવેલું હશે જેથી કોઈપણ નગરજનોને કોઈ પણ પ્રકારની શંકા રહે નહીં અને આ કામગીરી ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ હોય અને રાષ્ટ્રીય કામગીરી હોય નગરજનો સહકાર આપે તે માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કા અંતર્ગત 70 ફીલ્ડ ટ્રેનર્સની તાલીમ યોજાઈ
આગામી 'વસ્તી ગણતરી-2027' ની પૂર્વતૈયારીના ભાગરૂપે આણંદ જિલ્લામાં પ્રથમ તબક્કાની કામગીરી માટે ત્રિ-દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ સ્થળ મુલાકાત લઈ તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આણંદ કૃષિ યુનિવર્સિટી હેઠળની કોલેજ ઓફ ફૂડ પ્રોસેસ અને બાયો એનર્જી, હાડગુડ ખાતે તા.16 થી 18 માર્ચ 2026 દરમિયાન આયોજિત આ તાલીમમાં આણંદ જિલ્લાના 58 અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના 12 મળી કુલ 70 ફીલ્ડ ટ્રેનર્સને માસ્ટર ટ્રેનર્સ દ્વારા સઘન તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં માસ્ટર ટ્રેનર તરીકે બોરસદના પ્રાંત અધિકારી અમિત પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના વહીવટી અધિકારી ઉર્વશી ગડરીયા તાલીમ આપવાની સેવા આપી રહ્યા છે. વસ્તી ગણતરી-2027 ની વિશેષતા એ છે કે આ સમગ્ર પ્રક્રિયા CMMS (Census Monitoring and Management System) મોબાઈલ એપ્લીકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. નાગરિકો પોતે વિગતો ભરી શકે તે માટે તા.05/04/2026 થી 19/05/2026 સુધી સેલ્ફ એન્યુમેરેશન પોર્ટલ કાર્યરત રહેશે.

પ્રથમ તબક્કા અંતર્ગત તા.20 એપ્રિલ થી તા.19 મે 2026 દરમિયાન મકાનોની ગણતરી HLO (House Listing Operations) હાથ ધરવામાં આવશે. જેમાં ગણતરીદારો દ્વારા 'હાઉસ ટુ હાઉસ' કામગીરી HLO મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ કરવાની રહેશે. ભારત સરકારના ગેઝેટ મુજબ આણંદ જિલ્લા માટે મુખ્ય વસ્તી ગણતરી અધિકારી તરીકે જિલ્લાના કલેકટર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકા માટે મ્યુનિસિપલ કમિશ્નર જવાબદારી સંભાળશે. તેમજ તાલુકા સ્તરે મામલતદાર અને નગરપાલિકા સ્તરે ચીફ ઓફિસર 'ચાર્જ ઓફિસર' તરીકે ભૂમિકા ભજવશે, જેઓ ગણતરીદાર, સુપરવાઈઝર અને ફીલ્ડ ટ્રેનરની નિમણૂક તેમજ તમામ કામગીરી માટે જવાબદાર રહેશે. આ વસ્તી ગણતરી આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી વધુ ચોકસાઈભરી અને ઝડપી બનશે, જેમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના સહકારની અપેક્ષા રાખવામાં આવી છે.
