Loading...

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર: 23 એપ્રિલે મતદાન, 4 મેના રોજ જાહેર થશે પરિણામ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. આ બેઠક પર પેટા ચૂંટણી હાથ ધરાશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 15 Mar 2026 07:33 PM (IST)Updated: Sun 15 Mar 2026 07:33 PM (IST)
gujarat-by-election-2026-polling-for-umreth-assembly-constituency-on-april-23-708748

Umreth Assembly By-Election: ભારતના ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ઉમરેઠ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 30 માર્ચ, 2026ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે 23 એપ્રિલ, 2026ના રોજ મતદાન તથા 4 મે, 2026ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરા રાજ્યોની વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી સહિત ગુજરાતની ઉમરેઠ બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ઉમરેઠ વિધાનસભા બેઠક માટે 30 માર્ચ, 2026 થી 6 એપ્રિલ, 2026 સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે 15 માર્ચ, 2026 થી આદર્શ આચાર સંહિતા લાગુ પડશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર

  • 30મી માર્ચ, 2026 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થશે.
  • 6ઠ્ઠી એપ્રિલ, 2026 સુધીમાં ઉમેદવારી પત્રક ભરી શકાશે
  • 7મી એપ્રિલ, 2026ના રોજ ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે.
  • 9મી એપ્રિલ, 2026 સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.
  • 23મી એપ્રિલ, 2026 ના રોજ મતદાન યોજાશે.
  • 4થી મે, 2026 ના રોજ પરિણામ જાહેર થશે.

વિવિધ રાજ્યોની સામાન્ય ચૂંટણી જાહેર

ઉલ્લેખનીય છેકે, ચૂંટણી પંચે 15 માર્ચ, 2026ના રોજ રવિવારે પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે, તમિલનાડુમાં 23 એપ્રિલે જ્યારે પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં મતદાન થશે. આ પાંચ પ્રદેશોમાં મતગણતરી 4 મેના રોજ એક સાથે કરવામાં આવશે.

આ ઉપરાંત, ગોવા, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં પણ 9 અને 23 એપ્રિલે વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે માહિતી આપી હતી કે આ રાજ્યોમાં કુલ 17.4 કરોડ મતદારો 824 વિધાનસભા બેઠકો માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, અને પંચે મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી છે.