Umreth Assembly By-Election 2026: આણંદ જિલ્લાની 111-ઉમરેઠ વિધાનસભા બેઠકની 2026ની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે હર્ષદ પરમારના નામની જાહેરાત કરી છે. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના હાર્ટ એટેકના કારણે નિધન થતાં ખાલી પડેલી આ બેઠક પર આગામી 23મી એપ્રિલના રોજ મતદાન યોજાશે.
ઉમરેઠના ધારાસભ્યના નિધન બાદ ખાલી પડી હતી બેઠક
આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. તેઓ સતત બે ટર્મથી ધારાસભ્ય હતા અને અગાઉ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ રહી ચૂક્યા હતા. તેમના નિધનથી ખાલી પડેલી ઉમેરઠ બેઠક પર પેટા ચૂંટણી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાજપ દ્વારા ગોવિંદભાઇ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકીટ આપવામાં આવી છે.
આણંદના ડેડીકેટેડ ઇવીએમ વેરહાઉસનું કર્યું ત્રિમાસિક ઇન્સ્પેક્શન
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાંગલએ આજે આણંદ ખાતે 111-ઉમરેઠ પેટા ચુંટણીને લગતી તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંગેની તૈયારીઓથી સંદીપ સાંગલે ને વાકેફ કર્યા હતા અને વધુમાં જણાવ્યું હતું કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. એક્સપેન્ડિચર મોનિટર માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે.
ચૂંટણીમાં ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓ માટે તાલીમ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. વિવિધ ફ્લાયિંગ સ્ક્વોડની ટીમો દ્વારા ઉમરેઠ નગરમાં પ્રવેશતા દ્વાર ઉપર વાહનોના આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ઇવીએમ મશીનના પ્રથમ તબક્કાનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને મતદાર જાગૃતિના કાર્યક્રમો હાથ ધરાયા છે ની વિગતોથી સંદીપ સાંગલેને વાકેફ કર્યા હતા. આ સમયે સંદીપ સાંગલે એ આણંદ સ્થિત ડેડીકેટેડ ઇવીએમ વેરહાઉસની મુલાકાત લીધી હતી અને ત્રિમાસિક ઇન્સ્પેક્શન કર્યું હતું તથા પ્રથમ તબક્કાના ચાલી રહેલ એફ એલ સી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારીએ આ ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં 306 મતદાન મથકો ઉપર મતદાન માટે રાખવામાં આવનાર ઈવીએમ મશીન ના પ્રથમ તબક્કાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ભારતના ચૂંટણી પંચના નિયમો મુજબ પેટા ચૂંટણીમાં 200% ઇવીએમ FLC કરવાના થાય છે તે મુજબ ઇવીએમના પ્રથમ તબક્કાના ઇવીએમ નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેની જાણકારી સંદીપ સાંગલેને આપી હતી.
ઉમરેઠ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ અને ચૂંટણી પંચના નિયમો મુજબ મામલતદાર કચેરી ઉમરેઠ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતે થી 24 કલાકમાં જ રાજકીય પક્ષ દ્વારા માંગવામાં આવતી વિવિધ પ્રકારની મંજૂરીઓ એટલે કે સભા, સરઘસ, રેલીઓ તેમજ વાહનો અંગેની પરવાનગી એક જ જગ્યાએથી મળી જાય તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સિંગલ વિન્ડો સિસ્ટમ મામલતદાર કચેરી ઉમરેઠનો સંપર્ક નંબર 0269277900 છે.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર ઉમરેઠ દ્વારા સિંગલ વિન્ડો સિસ્ટમ ખાતે આવતી અરજીઓને 24 કલાકમાં નિકાલ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 01 અરજી આવી હતી જેને મંજૂરી આપીને નિકાલ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષના પ્રતિનિધિઓને મામલતદાર કચેરી, ઉમરેઠ ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યાંથી ચૂંટણીલક્ષી જરૂરી મંજૂરીઓ મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે.
