Anand News: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે આણંદ જિલ્લાની મુલાકાતે છે. વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપી. જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ આપવા માટે તેઓ આશરે રુ.234 કરોડ (રૂ. 23,401.40 લાખ)ના ખર્ચે તૈયાર થનારા કુલ 49 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ ખંભાત તાલુકાના ચકડોળ ગ્રાઉન્ડ ખાતે સવારે 10 વાગ્યે યોજાયો હતો.
આ પ્રકલ્પોમાં માર્ગ અને મકાન વિભાગના 25 કામોનો સમાવેશ થાય છે, જેમાં રાજ્યના 13 અને પંચાયતના 12 પ્રકલ્પો છે. ઉપરાંત શહેરી વિકાસ વિભાગના 10, શિક્ષણ વિભાગના 5, પાણી પુરવઠાના 5 અને આરોગ્ય વિભાગના 4 પ્રકલ્પોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિકાસ કાર્યો પૂર્ણ થતા ખંભાત વિધાનસભા વિસ્તાર સહિત સમગ્ર આણંદ જિલ્લામાં મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, નાણાં રાજ્ય મંત્રી કમલેશ પટેલ તેમજ જિલ્લા પ્રભારી સંજયસિંહ મહીડા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સાંસદો, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ મિતેશ પટેલ, હસમુખ પટેલ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ હાજરી આપી હતી.
બોરસદ તાલુકાના ભાદરણ ગામ સ્થિત ટી.બી. હાઈસ્કૂલ ખાતે સવારે 10:30 વાગ્યે મુખ્યમંત્રી રાજ્યની 2,666 ગ્રામ પંચાયતોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે જ ભાદરણ ખાતેથી 114 ગામોમાં ગ્રામોત્થાન યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ પણ તેમના વરદહસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જીવનસ્તર સુધારવાના પ્રયાસોને વધુ વેગ મળશે.
મુખ્યમંત્રીની આ મુલાકાત આણંદ જિલ્લાના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાઈ રહી છે, કારણ કે વિવિધ ક્ષેત્રોને આવરી લેતા આ પ્રકલ્પો જિલ્લાના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
