Bhupendra Patel Visits Gir Forest Safari: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સાસણગીરમાં જંગલ સફારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મુક્તપણે વિહરતા સિંહો સહિતના વન્યજીવોના દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ગીરમાં સિંહ સંવર્ધન માટે વન વિભાગ દ્વારા થઈ રહેલી બહુસ્તરીય કામગીરીની વિસ્તૃત માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મુખ્યમંત્રીએ ગીર સફારીના કેરંભા થાણા વિસ્તારની ખાસ મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં તેમણે જુદા જુદા બે સ્થળોએ સિંહોને તેમના કુદરતી આવાસમાં નિહાળ્યા હતા. સિંહોને નજીકથી જોવાનો અનુભવ તેમના માટે સ્મરણીય રહ્યો હતો.

ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિંહ વસાહતવાળા વિસ્તારોમાં વર્ષ 2025ની વસ્તી ગણતરી પ્રમાણે કુલ 891 સિંહો વિહરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન હેઠળ વન્યજીવો, ખાસ કરીને સિંહોના સંરક્ષણ માટે 'પ્રોજેક્ટ લાયન' અમલમાં મૂકવામાં આવ્યો છે, જે સિંહોના બહુઆયામી સંરક્ષણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

હાલમાં, ગીર સફારી પાર્ક અને તેના સંલગ્ન વિસ્તારોમાં પ્રવાસીઓ માટે જંગલ મુલાકાત અને વન્યજીવ દર્શન માટે 13 રૂટ કાર્યરત છે. વડાપ્રધાનની ત્રીજી માર્ચના વાઇલ્ડલાઇફ દિવસની ઉજવણી અંતર્ગત તેમની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જેના પરિણામે સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઉભી થઈ છે.
ગીરની સવાર ખરેખર અદભુત છે!
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 29, 2026
સ્વચ્છ હવા, જંગલ પ્રદેશનું રમણીય પ્રાકૃતિક સૌંદર્ય, અને ગુજરાતની શાન સમા સાવજ.. આજે વહેલી સવારે જંગલ સફારીનો અનુભવ અવિસ્મરણીય બની રહ્યો. pic.twitter.com/Fh2JuWhene
મુખ્યમંત્રીને સાસણના નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે વન વિભાગ દ્વારા સિંહ અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે હાથ ધરાયેલી કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ મુલાકાત દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
