Anand News: આણંદ જિલ્લા પોલીસ વિભાગના એલઆઈબીમાં ફરજ બજાવતા અને વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા એ.એસ.આઈ મહંમદ યુસુફ શેખને પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ પોતાની ખુરસી પર બેસાડીને અનોખુ સન્માન કરતા મહંમદ યુસુફ ભાવુક બન્યા હતા.
આણંદ જિલ્લા પોલીસ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરીની શરૂઆત કર્યા બાદ 32 વર્ષ અને 10 મા જેટલી નોકરી કરીને છેલ્લે એલઆઈબીમાં થી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા છે. શેખે તેમની મોટાભાગની નોકરી એક જ ટેબલ પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. મૂળ કપંડવંજનાં મહંમદયુસુફ શેખને વિદાય આપવા માટે એલઆઈબી કચેરી ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ મહંમદયુસુફને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું.
આણંદ એસ.પી. ગૌરવ જસાણીએ નાના કર્મચારીની નિષ્ઠાને બિરદાવી મંહમદયુસુફને પોતાની એસ.પી. ની ખુરસી પર બેસાડી સન્માન કર્યું જેને લઈને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીની કર્મચારીઓ પ્રત્યેની લાગણીને બિરદાવી હતી.

આ પ્રસંગે પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ કહ્યું હતું કે પરિવાર કરતા પણ ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવનાર મહંમદ યુસુફએ જે કર્તવ્યનિષ્ઠાથી ફરજ બજાવી છે, તેની ખોટ કચેરીને પડશે તેમ જણાવી દરેક કર્મચારી મોહમ્મદ યુસુફ શેખની જેમ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે તે આજના સમયમાં ખૂબ જ જરૂરિયાત છે તેમ જણાવ્યું હતું. જસાણીએ મહંમદયુસુફ જેવા કર્મનિષ્ઠ નિવૃત્ત થતા કર્મચારીમાંથી અન્ય કર્મચારીઓને પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નિવૃત્ત ડીવાયએસપી દિલિપ ત્રિવેદી,પી.આઈ. આર એસ. સેંધવ સહિત અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પોતાનાં સંસ્મરણો રજુ કર્યા હતા. આ પ્રસંગે આણંદ ડીવીઝનનાં ડીવાયએસપી જે.એન પંચાલ, પેટલાદ ડીવીઝનનાં ડીવાયએસપી એચ બી.વાધેલા,એલસીબી પી.આઈ એચ.આર બ્રહ્મભટ્ટ, સીઆઈડી ક્રાઈમનાં પી.આઈ આર ડી.ડાભી સહિત અધિકારીઓએ નિવૃત્ત થતા એએસઆઈ મહંમદયુસુફનું સન્માન કર્યું હતું.
નિવૃત્ત થતા એએસઆઈ મહમદયુસુફએ કહ્યું હતું કે ઉપરી અઘિકારીઓ દ્વારા તેઓમાં વિશ્વાસ મુકયો હતો અને જે થકી તેઓ એલઆઈબીમાં એક જ ટેબલ પર લગભગ 33 વર્ષ સુધી ફરજ બજાવી શકયા છે. પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે તેમની ફરજ દરમ્યાન 18 જેટલા પોલીસ અધિક્ષક સાથે કામ કરવાનો તેમને મોકો મળ્યો છે અને તમામ પોલીસ અધિક્ષક દ્વારા તેમને અન્ય જગ્યાએ બદલી ન કરતા એલ આઈ બીમાં જ શ્રેષ્ઠ કામગીરી કરે છે તે કરવા જણાવતા હતા.

આ સમયે મહમદયુસુફ શેખે તમામ અધિકારીઓનો પણ આભાર માન્યો હતો તેમજ તેઓએ પોતાનાં પરિવાર કરતા પણ ફરજને વધુ પ્રાધાન્ય આપ્યુ છે, તે કહેતા તેઓ ભાવુક બન્યા હતા અને ભાવુક બનીને તેમની ફરજ દરમિયાન તેમની પત્નીના યોગદાન વિશે તેમણે જણાવ્યું કે તેના સાથ સહકારને કારણે હું મારું યોગદાન પોલીસ વિભાગમાં કર્મઠ બનીને આપી શક્યો છું અને મારો ઘર સંસારની સંપૂર્ણ જવાબદારી મારી પત્નીએ ઉઠાવી હતી.
આ તબક્કે તેમણે તેમની પત્નીનો પણ સવિશેષ આભાર માન્યો હતો અને પત્નીના સપોર્ટને કારણે જ આજે હેમખેમ સારી રીતે નિવૃત્ત થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે પોલીસ અધિક્ષક કચેરીના વિવિધ વિભાગોના કર્મચારીઓ, એલસીબી, એસઓજી અને ટ્રાફિક વિભાગના કર્મચારીઓ તેમજ મિત્રો પરિવારજનો સાથે સગા સબંધીઓએ પણ સન્માન કર્યું હતું.
