Umreth Assembly By-election 2026: ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયા મુજબ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - 2026 નું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનાર છે. ચૂંટણી ની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ છે. ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે FST, SST, VST અને VVT જેવી વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે, જ્યારે ઉમરેઠના ત્રણ મુખ્ય એન્ટ્રી પોઇન્ટ પર ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા 24×7 વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ 111 - ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞા પટેલની નિમણૂક કરી છે. આ ઉપરાંત ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખવા માટે વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં એફ એસ ટી ની ટીમ, એસએસટીની ટીમ, વીએસટી ની ટીમ અને વીવીટી ની દરેકની 03 ટીમો બનાવવામાં આવી છે.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી જીજ્ઞા પટેલના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ વિધાનસભા મત વિભાગમાં આવતા ત્રણ મુખ્ય એન્ટ્રી પોઇન્ટ ઉપર ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા આજે આકસ્મિક વાહનોની ચકાસણી કરવામાં આવી હતી.
ઉમરેઠ વિધાનસભા ચૂંટણીના ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા નિયમિત ઉમરેઠ ના મુખ્ય ત્રણ એન્ટ્રી પોઇન્ટ ઉપર 24×7 વાહનોના આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે, અને ચૂંટણીના નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને મતદાન કરવા પત્ર લખાયા
ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી 23મી એપ્રિલ 2026 ગુરૂવારના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિ અભિયાન યોજવા અને મતદારોને જાગૃત કરવા માટે એટલે કે સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કામિનીબેન ત્રિવેદીની નિમણૂક કરી છે.
સ્વીપ ના નોડલ અધિકારી કામિનીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આજે ઉમરેઠ તાલુકાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ તેમના વાલીઓને આગામી તારીખ 23મી એપ્રિલ 2026 ના રોજ યોજાનાર ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના મતદાનના દિવસે મતદાન જરૂરથી કરવા માટે લાગણી ભર્યા પત્ર પાઠવ્યા છે.
પત્રમાં વિદ્યાર્થીઓના લખાણ મુજબ મતદાનના દિવસે સમય કાઢીને ઘરના દરેક સભ્ય જે લાયક મતદારો છે અને જેમનું નામ મતદાર યાદીમાં છે તે પૈકી કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહીએ તેમ લખીને મતદારો પોતાની ફરજ નિભાવે અને લોકશાહીને જીવંત રાખવામાં પોતાની ફરજ અદા કરે તેવા પત્ર પણ લખ્યા છે. સ્વીપના નોડલ અધિકારીના જણાવ્યા મુજબ ઉમરેઠ વિધાનસભામાં આવતા દરેક ગામ ખાતે મતદારોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે અને વધુમાં વધુ મતદારો ચૂંટણીમાં મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે.
