Anand News: આણંદ શહેર નજીક આવેલા લાલપૂરા ઉમિયા કોરી પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નદીના ધસમસતા પ્રવાહમાં એક યુવક અગમ્ય કારણોસર ડૂબી જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને કલાકોના રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકના મૃતદેહને નદીના ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
112 કંટ્રોલ રૂમ મારફતે ફાયર વિભાગને મળી જાણ
આ દુર્ઘટના અંગે મળતી વિગતો અનુસાર, લાલપૂરા ઉમિયા કોરી પાસે મહીસાગર નદીના કિનારે એક વ્યક્તિ પાણીના જોરદાર પ્રવાહમાં ડૂબી રહ્યો હોવાની માહિતી સ્થાનિકોએ ઈમરજન્સી સેવા 112 ને આપી હતી. ત્યાંથી તાત્કાલિક કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમને એલર્ટ કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજીને ફાયર ઓફિસર ધર્મેશ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ સબ ફાયર ઓફિસર અબ્દુલભાઈ ભથાણીયા અને તેમની જાંબાઝ ટીમ રેસ્ક્યુ સાધનો સાથે મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ભારે જહેમત બાદ મૃતદેહ મળ્યો
ફાયર વિભાગની ટીમે વિલંબ કર્યા વિના નદીના ઊંડા અને જોખમી પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. નદીના વહેણને ધ્યાનમાં રાખીને તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે કલાકોની શોધખોળ બાદ ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો, જેને કિનારે લાવવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ મહેશભાઈ ગલાભાઈ (રહેવાસી- બાજીપુરા) તરીકે થઈ હતી. આ અકસ્માતની ખબર વાયુવેગે પ્રસરતા જ નદી કિનારે સ્થાનિક લોકો અને ગ્રામજનોના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પોતાના ઘરના આશાસ્પદ યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અને બાજીપુરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ પણ વાંચો
પોલીસે તપાસ હાથ ધરી, તંત્રની લોકોને ચેતવણી
ઘટના અંગે સ્થાનિક પોલીસે અકસ્માતે મોતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવક નદી કિનારે કયા સંજોગોમાં ગયો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
આ ચોંકાવનારી દુર્ઘટનાએ ફરી એકવાર જળાશયો કિનારે સુરક્ષાનો મુદ્દો પ્રબળ બનાવ્યો છે. તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન નદી, તળાવ કે કેનાલોમાં પાણીની આવક વધતી હોવાથી પ્રવાહ અને ઊંડાણનો અંદાજ આવતો નથી. આથી, સેલ્ફી લેવા કે નહાવા માટે આવા જોખમી જળાશયોની નજીક જવાનું ટાળવું જોઈએ અને પૂરતી સતર્કતા રાખવી જોઈએ.
