Anand News: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી એક વિદ્યાર્થીના આપઘાતની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. આંકલાવ તાલુકાનાં કહાનવાડી ગામમાં આવેલી ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલની હોસ્ટેલમાં ધો.12માં ભણતા એક વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવ ટૂંકાવી લીધું છે. આ ચકચારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની વિગત
મળતી માહિતી પ્રમાણે, છોટા ઉદેપુરના ક્વાંટના વિદ્યાર્થી બિપિન અશ્વિનભાઈ રાઠવાએ પોતાના હોસ્ટેલ રુમમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતા હોસ્ટેલ વહીવટદારો અને ભણતાં અન્ય વિદ્યાર્થીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
પોલીસ અને FSLની તપાસ શરૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આંકલાવ પોલીસ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે જરૂરી પંચનામું કરી, મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. જોકે, હાલ વિદ્યાર્થીએ કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આથી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
પરિવારમાં શોકનો માહોલ
આ કાળજું કંપાવી દેનારા સમાચાર મળતા જ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો તાત્કાલિક હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા. વહાલસોયા દીકરાના મોતના સમાચારથી પરિવારના આક્રંદે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી. હાલ સમગ્ર હોસ્ટેલ કેમ્પસ અને પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
