Ahmedabad Air India plane crash anniversary: 12 જૂન, 2025 ની એ કાળી બપોર ગુજરાત ક્યારેય ભૂલી શકશે નહીં. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ઉડેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-717 ટેક ઓફ કર્યા બાદ જૂજ સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને 12 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 242 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ખેડા અને આણંદ જિલ્લાના પીડિત પરિવાર
આ કરૂણાંતિકા સર્જાયાને એક વર્ષ વહી ગયું હોવા છતાં, પીડિત પરિવારોના આંસુ સુકાયા નથી. આ ગોઝારી વિમાન દુર્ઘટનામાં સૌથી વધુ ભોગ ખેડા અને આણંદ જિલ્લાના પરિવારો બન્યા હતા, જેમાં માત્ર ખેડા જિલ્લાએ જ પોતાના 17 રત્નો ગુમાવ્યા હતા. આજે પણ પીડિતો કાયદાકીય પ્રક્રિયા ગુજરાતમાં જ કરવાની માંગ અને ન્યાયની આશા સાથે આઘાતમાં જીવી રહ્યા છે.

વળતરના નામે અન્યાય: વૃદ્ધ પિતાની વ્યથા
કઠલાલના પૂર્વ પ્રમુખ અને સ્થાનિક અગ્રણી પ્રશાંત પટેલ આ અકસ્માતમાં કાળનો કોળિયો બન્યા હતા, જેના કારણે તેમના વૃદ્ધ પિતા દિલીપભાઈ પટેલ એકલા પડી ગયા છે. પુત્રના મોતના આઘાતમાં તેમને હૃદયની ગંભીર બીમારી લાગુ પડી ગઈ છે. ઘરમાં કમાનાર કોઈ વ્યક્તિ નથી.
આ પણ વાંચો
પ્રશાંતભાઈના પત્ની અને બે માસૂમ બાળકો હજુ પણ પિતાની ખોટમાં સુનમુન છે. દિલીપભાઈએ ટાટા કંપની અને અમેરિકન લો ફર્મ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ટિકિટના નિયમ મુજબ 1.5 કરોડનું વળતર મેળવવું એ પીડિતોનો હક હોવા છતાં વિદેશી કંપનીઓની દખલગીરી વચ્ચે માત્ર 1.25 કરોડ આપીને સંતોષ માની લેવાયો છે.

પરિવારોના સપના-આલીશાન મકાન બન્યા ભેંકાર
ડાકોરની ધરતી સોસાયટીમાં રહેતા પૂર્ણિમાબેન પટેલ લંડન સ્થિત પોતાના દીકરાને મળવા ઉત્સાહથી નીકળ્યા હતા, પરંતુ માતા-દીકરો છેલ્લી વાર એકબીજાને જોઈ પણ ન શક્યા. આવી જ કરુણતા મહુધાના મેહુલભાઈ પટેલના પરિવારની છે; દીકરાએ માતા-પિતાની વતનમાં રહેવાની ઈચ્છા પૂરી કરવા આલીશાન ઘર બનાવ્યું હતું. પરંતુ ગૃહપ્રવેશ થાય તે પહેલા જ તેઓ વિદાય થઈ ગયા. આજે તે મકાન પથ્થરોના ઢગલા સમાન ભાસી રહ્યું છે.

ભાઈની સેવા કરવા આવ્યા'ને કાળ આંબી ગયો
યુકેના નાગરિક અને સોજીત્રાના વતની નીલકંઠભાઈ પટેલ પોતાના પિતરાઈ ભાઈની કેન્સરની બીમારીમાં સેવા કરવા આવ્યા હતા. ભાઈની તબિયત સુધરતા તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે જ તેમનું મોત નિપજ્યું હતું. બીજી તરફ જે ભાઈની સેવા માટે તેઓ આવ્યા હતા, તે ભાઈ પણ ત્રણ મહિનામાં જ જિંદગીની જંગ હારી ગયા. વાસદના રજનીકાંત પટેલ, તેમના પત્ની દિવ્યાબેન અને ભાભી હેમાંગીબેનના મોતે આખા પરિવારને વેરવિખેર કરી નાખ્યો છે.
આ પણ વાંચો: FSLની ઐતિહાસિક સિદ્ધિ: વિમાન દુર્ઘટનાના 500+ અવશેષોમાંથી 241 મુસાફરોની ઓળખ કેવી રીતે થઈ?
જ્યાં કિલકિલાટ હતો ત્યાં આજે શૂન્યાવકાશ
આજે વતનની જે ગલીઓ ક્યારેક ગુંજતી હતી, ત્યાં નીરવ શાંતિ છવાયેલી છે. ભરોડાનું શશીકાન્તભાઈ અને કોકિલાબેનનું વૃદ્ધ દંપતી ચોથી વાર દીકરાને મળવા લંડન જવા નીકળ્યું હતું, પરંતુ બપોરે તેમના મોતના સમાચાર આવતા આભ ફાટી પડ્યું હતું. બોરસદના ઝારોલાના રમેશભાઈ પટેલ હોય કે પછી ગાના-મોગરીના મોનાલીબેન અને સન્ની પટેલ, ગયા વર્ષે બપોરે ઘરને તાળું મારીને નીકળેલા આ પરિવારોના મકાનોના તાળા એક વર્ષ પછી પણ ખુલ્યા નથી.
