Ahmedabad Kiran Patni Jivdaya Rath: અમદાવાદમાં સર્જાયેલ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાની પ્રથમ વરસીએ ભારત સહિત સમગ્ર વિશ્વએ અકાળે જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. જોકે, અમદાવાદના કલાપીનગરમાં રહેતા સેવાભાવી વ્યક્તિ કિરણભાઈ છેલ્લા એક વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકાના (AMC) સહયોગથી ક્રેશ સાઇટ પર દરરોજ હજારો અબોલ જીવોની ભોજન કરાવી દિવંગતોને પ્રેરણાદાયક અને અનોખી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ઉજ્જડ વિસ્તારમાં અબોલ જીવોને આશરો
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ થયું તે જગ્યા માનવ વસવાટથી દૂર અને ઉજ્જડ જેવી હોવાથી ત્યાં રહેતા પશુ-પક્ષીઓને ભોજન મેળવવામાં ભારે મુશ્કેલી પડતી હતી. વિમાન દુર્ઘટના બાદ આ વિસ્તાર સાવ સુમસામ બની ગયો હતો. આ સ્થિતિમાં વર્ષ 2018 થી ગ્રીન હેન્ડ ફાઉન્ડેશનના માધ્યમથી કલાપીનગરના રહીશ કિરણભાઈ પટણીએ અબોલ જીવોને ખોરાક આપવાની શરૂઆત કરી હતી.
કિરણભાઈ દરરોજ શાહીબાગ, અસારવા અને મેઘાણીનગર જેવા વિસ્તારોમાંથી 1800 નંગ રોટલી, કોરા ભાત અને ચણ એકત્ર કરીને અબોલ જીવોને ખવડાવે છે. અગાઉ રિક્ષા ચલાવીને વધેલી રકમમાંથી થતી આ સેવા આજે 400 કિલો રોજના ખોરાક સુધી પહોંચી ગઈ છે, અને સતત એક વર્ષથી અવિરત ચાલી રહી છે.
આ પણ વાંચો

કિરણભાઈના ભગીરથ કાર્યમાં AMC નો સહયોગ
કિરણભાઈના આ ભગીરથ કાર્યથી પ્રભાવિત થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર ત્રાસ અંકુશ વિભાગે (CNCD) પણ તેમને પૂર્ણ સહયોગ આપ્યો છે. CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું કે, આ સેવાભાવી વ્યક્તિને AMC દ્વારા દરરોજ 4 કિલો દહીં, 4 લિટર દૂધ, 250 કિલો રોટલી, 140 કિલો શાકભાજી, 7 કિલો ફળ અને જુવાર, મકાઈ, ઘઉં સહિતનું અનાજ પૂરું પાડવામાં આવે છે.
આ ઉપરાંત, પાણીના 42 બાઉલ અને ફૂડ માટેના 38 બાઉલ તેમજ જીવદયાની પ્રવૃત્તિ ટકાવી રાખવા એક ડ્રાઈવર અને બે સહાયક બહેનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ સામગ્રી જીવદયા રથ મારફતે પ્લેન ક્રેશ સાઇટ તેમજ અન્ય ઉજ્જડ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે.

400 કિલો ખોરાક અને 12 હજાર જીવોનો વસવાટ
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ સાઇટ પર હાલ અંદાજે 12 હજાર જેટલા પશુ-પક્ષીઓ વસવાટ કરે છે. પ્રાપ્ત આંકડા મુજબ, અહીં 3250 ખિસકોલી, 82 કૂતરા, 12 બિલાડી, 17 મોર, 1180 કબૂતર, 6200 પોપટ, 52 વાંદરા અને 930 કાગડાઓ રોજ ભોજન લેવા આવે છે. કિરણભાઈના જણાવ્યા અનુસાર, તેઓ જ્યારે નિયત સમયે ત્યાં પહોંચે છે ત્યારે આ તમામ પશુ-પક્ષીઓ તેમની આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે.
આ પણ વાંચો: Real Estate: અમદાવાદમાં 1 જુલાઈથી રિયલ એસ્ટેટના ભાવમાં 10 ટકા સુધીનો વધારો, CREDAI નો નિર્ણય
કિરણભાઈએ ગર્વ સાથે જણાવ્યું હતું કે, અબોલ જીવોની સેવાનું આ કામ તેમને તેમના પિતા તરફથી વારસામાં મળ્યું છે, જેઓ સાયકલ પર ફરીને જીવોને ખોરાક આપતા હતા. અગાઉ રિક્ષા ચલાવીને વધેલી રકમમાંથી થતી આ સેવા આજે 400 કિલો રોજના ખોરાક સુધી પહોંચી ગઈ છે, અને સતત એક વર્ષથી અવિરત ચાલી રહી છે.
