Ahmedabad News: આગામી ચાર-પાંચ દિવસમાં રાજ્યમાં ચોમસાનું આગમન થઇ શકે છે. ત્યારે ચોમાસાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા સુસજ્જ થયું છે. પાલડી ખાતે મોન્સૂન મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભારે પવનના કારણે ઉભી થતી પાણી ભરાવા, રસ્તા બેસી જવા, ઝાડ પડવા સહિતની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પાલડી સ્થિત મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. તેમજ સાત ઝોનમાં મોનસન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. નાગરિકો ચોમાસા દરમિયાન આવી સમસ્યાઓ અંગે કંટ્રોલરૂમના જારી કરવામાં આવેલા નંબરો પર ફરિયાદ કરી શકશે.
અમદાવાદ મનપા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, પાલડી ખાતે શરૂ કરવામાં આવેલ મુખ્ય કંટ્રોલરૂમ દ્વારા ઓટોમેટીક રેઈનગેજ દ્વારા હયાત પરિસ્થિતિના ડેટા કંટ્રોલરૂમ ખાતેથી મેળવવામાં આવે છે. ઉપરાંત વાસણા બેરેજ તથા ધરોઈ ડેમના લેવલ પણ મેળવવામાં આવે છે. ચોમાસા દરમ્યાન વરસાદને કારણે ઉદભવતી સમસ્યાઓનો ત્વરિત નિરાકરણ થઈ શકે તે માટે શહેરીજનો પાલડી ખાતેના મોન્સૂન મુખ્ય કંટ્રોલરૂમ સહિત સાત ઝોનમાં શરૂ કરવામાં આવેલ મોન્સૂન કંટ્રોલ રૂમોમાં વ્હોટ્સઅપ સોશિયલ મીડિયાના માધ્યમથી મોન્સૂન સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે.
મુખ્ય કંટ્રોલ રૂમ અને ઝોનલ સંપર્ક નંબર
- મુખ્ય કંટ્રોલ રૂમ (પાલડી): 079-26582520 / 9978355303 (વોટ્સએપ)
- મધ્ય ઝોન: 9099064167
- પશ્ચિમ ઝોન: 6359980916
- પૂર્વ ઝોન: 9099063856
- ઉત્તર પશ્ચિમ ઝોન: 9726416112
- દક્ષિણ પશ્ચિમ ઝોન: 6359980913
- ઉત્તર ઝોન: 9726415552
- દક્ષિણ ઝોન: 9099063239
25 કંટ્રોલ રૂમ અને 42 રેઈન ગેજથી મોનિટરિંગ કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ચોમાસાને ધ્યાને રાખી શહેરના 25 કંટ્રોલ રૂમો અને અન્ડરપાસોને વાયરલેસ સિસ્ટમ તથા સીસીટીવી કેમેરા સાથે જોડી દેવામાં આવ્યા છે. વરસાદના સચોટ આંકડા માટે 42 ઓટોમેટિક રેઈન ગેજ અને 13 એનાલોગ ડેટા લોગર કાર્યરત કરી અધિકારીઓ દ્વારા 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની સીધી દેખરેખ હેઠળ ઈજનેર, હેલ્થ અને એસ્ટેટ સહિતના તમામ વિભાગોના સ્ટાફ અને જરૂરી મશીનરીને આકસ્મિક પરિસ્થિતિ માટે સ્ટેન્ડ-ટુ રહેવા જણાવાયું છે.

ચોમાસા દરમિયાન ઉભી થતી સમસ્યાઓનો ત્વરિત નિકાલ કરાશે
અમદાવાદ મનપા દ્વારા શરૂ કરવામાં આવેલા કંટ્રોલરૂમમાંથી ઝાડ પડવાના, ભયજનક મકાન/હોર્ડિંગ્સ પડી જવાના, વરસાદી પાણી ભરાઈ જવાની આવતી ફરિયાદોને સંબંધિત વિભાગનો તાત્કાલિક ધોરણે સંપર્ક કરીને તેનો ત્વરિત નિકાલ કરાશે. ભારે વરસાદ દરમ્યાન રસ્તા બેસી જવાના, રોડ સેટલમેન્ટની ફરિયાદો મળ્યેથી તેને તાત્કાલિક ધોરણે જરૂરી પ્રોટેકશન કરી બેરીકેડીંગ કરાશે. વરસાદ દરમ્યાન પોટ હોલ્સ વગેરેની ફરિયાદ હોય ત્યારે ટ્રેકટર્સ, છોટા હાથી, હાથ લારી, જેટ પેચર મશીન્સ, વાઈબ્રેટર મશીન્સ જેવા વાહનો દ્વારા કોલ્ડ મીક્ષ, વેટ મીક્ષ મટીરીયલ્સ સાથે પેચવર્ક લેબર ગેંગ સ્થળ ઉપર પહોંચાડીને તાત્કાલિક પોટહોલ્સ પુરાણ કરીને ફરિયાદનો નિકાલ કરવામાં આવશે તેમજ કોલ્ડ ઈમલસન ઈંજેકશન પેચીંગ ટેકનોલોજી આધારિત જેટ પેચર મશીનથી પેચવર્કની કામગીરી કરવામાં આવશે.
72,586 કેચપીટોની સફાઈની કામગીરી હાથ ધરાઇ
શહેરમાં આવેલ કુલ 25 અન્ડરપાસો પૈકી ૨૬ અન્ડરપાસોમાં હેવી કેપેસીટીના પમ્પો ઈન્સ્ટોલ કરી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે તેમજ અનુભવી – નિષ્ણાંત સ્ટાફને વોકી ટોકી સાથે એપોઈન્ટ પણ કરાયા છે. શહેરમાં ભરાતા વરસાદી પાણીનો ત્વરિત અને યોગ્ય રીતે નિકાલ થઈ રહે તે માટે અમદાવાદ શહેરમાં કુલ 72,586 કેચપીટોની સફાઈની કામગીરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરાઇ છે. હાલમાં બીજા રાઉન્ડની સફાઈ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારબાદ ત્રીજા રાઉન્ડની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવશે.
26 અન્ડરપાસમાં હેવી કેપેસિટીના પંપો મુકાશે
ભારે વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાને ધ્યાને લઇ શહેરના 26 અન્ડરપાસમાં હેવી કેપેસિટીના પંપો મુકાવામાં આવ્યા છે. ઝાડ પડી જવાની ઘટનામાં બગીચા વિભાગ દ્વારા 28 ટ્રીમીંગ-વાન અને ટ્રેક્ટર-ટ્રોલી સાથે એક ચેઇન શૉ મશીન સહિતની ટીમો તૈયાર કરવામાં આવી છે. ટીમ દ્વારા શહેરના 3237 જેટલા વૃક્ષોનું ટ્રિમીંગની કામગીરી કરવામાં આવી છે. સાબરમતી નદીમાં વરસાદી પાણીનાં નિકાલ અંગે પશ્ચિમ છેડે 25 અને પૂર્વના છેડે 18 ડિસ્ચાર્જ પોઈન્ટ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલ માટે વરૂણ પમ્પનો ઉપયોગ કરાશે
નીંચાણવાળા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે વાહન માઉન્ટેડ હેવી ડી-વોટરીંગ પમ્પો (વરૂણ પમ્પો) રાખવામાં આવશે, જેમાં હયાત 40 વરૂણ પમ્પો છે. વાહન/ટ્રેઈલર માઉન્ડેટ પમ્પો (મઝદા પમ્પો), ટ્રોલી માઉન્ડેટ પમ્પો, ટ્રોલી પમ્પો તૈનાત કરશે. જેથી તાત્કાલિક સ્થળ પર જઇને પાણીનો નિકાલ કરી શકાય. ઈલેકટ્રીક શોર્ટ સર્કિટ તેમજ ઈલેકટ્રીક સંબંધિત ફરિયાદોનો તાત્કાલિક ધોરણે નિકાલ થઈ રહે તે માટે ટોરેન્ટ પાવર લી. કંપનીના જાણકાર અનુભવી સ્ટાફને પાલડી ખાતેનાં મુખ્ય કંટ્રોલરૂમમાં હાજર રાખવામાં આવશે.
બચાવ ટીમો ફાયર સ્ટેશનોમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે
ભારે વરસાદનાં સંજોગોમાં વરસાદી પાણી ભરાય ત્યારે ટ્રાફિકને ડાયવર્ઝન કરવા તથા ટ્રાફિકના જંકશનો ઉપર ઉપસ્થિત થતી ટ્રાફિક જામની સમસ્યાનો સહેલાઈથી નિરાકરણ થઈ રહે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સ્ટાફને પણ વાયરલેસ સીસ્ટમ સાથે પાલડી ખાતેનાં મુખ્ય કંટ્રોલરૂમ ખાતે હાજર રાખવામાં આવે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો સ્થળાંતરિત કરવા માટે આશ્રયસ્થાનો નક્કી કરવામાં આવ્યા છે. શાળાઓ, આશ્રય સ્થાનો, કોમ્યુનિટી હોલ્સ, રેન બસેરા તથા સલામત સ્થળોએ સ્થળાંતર કરાશે. ફાયર વિભાગ દ્વારા બચાવની કામગીરી માટે ઈમરજન્સી રેસ્ક્યુ બોટ, હેવી કેપેસીટીના ડિવોટરીંગ પંપો, ઝાડ કાપવા માટે હાઈડ્રોલિક કટર, સ્લેબ કટર વિગેરે જુદા જુદા ફાયર સ્ટેશનોમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સ્ટ્રોર્મ વોટર પંપીંગ સ્ટેશનના પમ્પોને ઈન્ટરનેટ માધ્યમથી સ્કાડા સીસ્ટમથી કનેક્ટ કરવામાં આવ્યા છે. આ પંપો દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવશે, જેનું સ્કાડા સોફ્ટવેર સીસ્ટમ દ્વારા પાલડી ખાતેના મોન્સૂન મુખ્ય કંટ્રોલરૂમમાંથી સતત ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં સ્માર્ટ સીટી/ચાર રસ્તા જંકશનનાં મોનીટરીંગ અંતર્ગત સ્માર્ટ સીટી મોન્સૂનનાં 1746 કેમેરા તેમજ અન્ડરપાસમાં 44 કેમેરાઓ એમ કુલ થઈ 1790 કેમેરાઓ દ્વારા કવરેજ મેળવી શકાય તેવી વ્યવસ્થા મુખ્ય કંટ્રોલરૂમ, પાલડી ખાતે ગોઠવવામાં આવ્યા છે.
