અમદાવાદમાં વાહકજન્ય રોગો ડેન્ગ્યૂ-મલેરિયા સામે AMCની પ્રિ-મોન્સૂનની તૈયારી શરુ, 88 કન્સ્ટ્રક્શન સાઇટ્સ સામે કાર્યવાહી

વર્ષ 2026માં જાન્યુઆરીથી અત્યાર સુધી ડેન્ગ્યૂના કુલ 110 કેસ નોંધાયા છે, જેમાં 104 સરકારી અને 6 ખાનગી કેસોનો સમાવેશ થાય છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 25 May 2026 04:01 PM (IST)Updated: Mon, 25 May 2026 04:01 PM (IST)
amc-begins-pre-monsoon-drive-against-dengue-and-malaria-in-ahmedabad

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રિ-મોન્સૂનની સઘન કામગીરી ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો સામે હાથ ધરવામાં આવી છે. 2,000 કર્મચારીઓ અને 274 ફોગિંગ મશીનોના કાફલા સાથે સઘન તપાસ અભિયાન શરૂ કરાયુ છે. અત્યાર સુધીમાં 577 મચ્છર સંવર્ધન કેન્દ્રો શોધાયા છે અને માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ 88 કન્સ્ટ્રક્શન સાઇટ્સ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2026 માં અત્યાર સુધીમાં 6.53 લાખથી વધુ બ્લડ સેમ્પલ લેવાયા છે.

શહેરમાં રોગચાળો અટકાવવા માટે પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત આરોગ્ય શિક્ષણ મારફતે કોમ્યુનિટી સ્તરે લોકજાગૃતિ કાર્યક્રમોનું સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ સ્થળોએ IEC એક્ટિવિટીઝનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2025 દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના કુલ 1591 કેસ નોંધાયા હતા, જેમાં 1347 સરકારી હોસ્પિટલમાં અને 244 ખાનગી હોસ્પિટલમાં કેસોનો સમાવેશ થાય છે.

મલેરિયા(PV)ના 784 અને મલેરિયા (PF)ના 177 કેસ નોંધાયા હતા. જયારે વર્ષ 2026માં જાન્યુઆરીથી અત્યાર સુધી ડેન્ગ્યૂના કુલ 110 કેસ નોંધાયા છે, જેમાં 104 સરકારી અને 6 ખાનગી કેસોનો સમાવેશ થાય છે. મલેરિયા (PV)ના કુલ 54 અને મલેરિયા(PF)ના 11 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર ગયા વર્ષની સરખામણીએ સતત સુપરવિઝન અને મોનિટરિંગને કારણે કેસોમાં ઘટાડો નોંધાયો છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 577 મોસ્કીટો બ્રિડીંગ સ્પોટ્સને ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જ્યારે 88 કન્સ્ટ્રક્શન સાઇટ્સને નોટિસ અને પેનલ્ટી ફટકારવામાં આવી છે. હાલ શહેરમાં કુલ 274 ફોગીંગ મશીન ઓપેરશનલ છે. વર્ષ 2025માં કુલ 17,65,047 અને વર્ષ 2026માં અત્યાર સુધી 6,53,148 બ્લડ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખયની છે કે,ડેન્ગ્યૂ પોઝિટિવ રેટ એટલે ડેન્ગ્યૂ ટેસ્ટ કરાવનારામાંથી કેટલા લોકો પોઝિટિવ આવ્યા તેની ટકાવારી, જ્યારે મલેરિયા સ્લાઈડ પોઝિટિવિટી રેટ એટલે મેલેરિયા તપાસ માટે લેવામાં આવેલી બ્લડ સ્લાઈડ્સમાંથી કેટલામાં મેલેરિયા પરજીવી મળ્યા તેની ટકાવારી.

AMC દ્વારા બિનવારસી ટાયરો, ભંગાર અને પાણી ભરાઈ રહે તેવા સ્ક્રેપના કલેક્શન અને દૂર કરવાની કામગીરી અમલમાં મૂકવામાં આવી રહી છે. તળાવોમાંથી વેજીટેશન અને કચરો દૂર કરવાની કામગીરીનું પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, શહેરના મોટા સરકારી, અર્ધસરકારી એકમો, મ્યુનિસિપલ કોર્પોરેશનના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક એકમો, હોસ્પિટલો તેમજ કોમર્શિયલ એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ તમામ એકમોમાં જવાબદાર નોડલ ઓફિસરોની નિમણૂક કરી BYLAWSનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત વોર્ડ અને ઝોન મુજબ સમગ્ર કાર્યક્ષેત્રને પેટા વિભાગોમાં વહેંચી દરરોજની કામગીરી માટે સીમારેખા દર્શાવતા નકશાઓ તૈયાર રાખવામાં આવ્યા છે. જ્યાં મચ્છરોનું બ્રીડીંગ વધુ પ્રમાણમાં જોવા મળે છે તેવા વિસ્તારો અને એકમોનું અલગથી મેપિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કેચપીટ અને ગટરો કચરામુક્ત રહે તથા પાણી ન ભરાય તે માટે સુપરવિઝન સાથે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

વાહકજન્ય રોગ નિયંત્રણ માટે જરૂરી જંતુનાશક દવાઓ, સાધનસામગ્રી અને મશીનરી પૂરતી માત્રામાં ઉપલબ્ધ રહે અને કાર્યરત સ્થિતિમાં રહે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. તાવ અને મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના પોઝિટિવ કેસોમાં તાત્કાલિક રોગ નિયંત્રણ અને અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. CCRS ફરિયાદો વધુ આવતી હોય તેવા વિસ્તારોમાં IEC એક્ટિવિટી અને જનજાગૃતિ દ્વારા ફરિયાદોના નિકાલ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મચ્છરજન્ય રોગો સામે ફિલ્ડ લેવલ પર મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરો, મેલેરિયા વર્કરો અને અર્બન હેલ્થ સેન્ટરના આશા વર્કરો દ્વારા ઘરે-ઘરે જઈ મચ્છર નિયંત્રણ, પોરાનાશક કામગીરી, જનજાગૃતિ અને મેલેરિયાની રેડિકલ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર, અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને સરકારી દવાખાનાઓમાં મેલેરિયા અને ડેન્ગ્યૂની સારવાર તથા નિદાનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

AMC દ્વારા એન્ટી-લાર્વલ કામગીરી અને ફોગિંગ ડ્રાઇવ વર્ષભર ચલાવવામાં આવે છે અને ચોમાસા દરમિયાન તેને વધુ સઘન બનાવવામાં આવે છે. હાલમાં મેલેરિયા વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ ડેન્ગ્યુ-મલેરિયા પ્રિવેંશન માટે કાર્યરત છે. કન્સ્ટ્રક્શન સાઈટો, ખાલી પ્લોટો, અને સ્ટેગનેન્ટ પાણીના પોઈન્ટ્સ માટે માટે દર પખવાડિયે પોરાનાશક કામગીરી સાથે ઓનલાઇન સોફ્ટવેર આધારિત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત સ્લમ વિસ્તારોમાં મેલેરિયા વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા નિયમિત ધોરણે પોરાનાશક કામગીરી અને તાવની તપાસ કરવામાં આવી રહી છે. હોટસ્પોટ વિસ્તારોમાં ડોર-ટૂ-ડોર ચેકીંગ પખવાડિયે હાથ ધરવામાં આવે છે.

જો કોઈ વિસ્તારમાં ડેન્ગ્યૂ અથવા મલેરિયાના કેસ નોંધાય તો તાત્કાલિક એન્ટી-મેલેરિયલ કાર્યવાહી હાથ ધરી દર્દીઓનું ફોલોઅપ કરવામાં આવે છે. હાલ આઉટબ્રેકની કોઈ પરિસ્થિતિ નોંધાઈ નથી, છતાં આવી સ્થિતિ માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે. ફીવર સર્વે અને કોન્ટાક્ટ ટ્રેસીંગ માટે મેલેરિયા વિભાગ અને અર્બન હેલ્થ સેન્ટરના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, જનજાગૃતિ માટે શહેરના સ્માર્ટ સીટી હેઠળના વી.એમ.ડી સ્ટેશનો તેમજ સિનેમાગૃહોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ અને મચ્છર ઉત્પત્તિ સ્થળોને લગતા અવેરનેસ વીડિયો પ્રસારિત કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકો દ્વારા મોસ્કીટો બ્રિડીંગ અંગેની ફરિયાદો માટે સી.સી.આર.એસ. પોર્ટલ પર 155303 નંબર પર સંપર્ક કરી શકે છે તેમજ મેલેરિયા વોર્ડ ઓફિસ અને સીટી સિવિક સેન્ટર પર પણ ફરિયાદ નોંધાવી શકે છે. AMC દ્વારા નાગરિકોની ફરિયાદો પર 24 કલાકમાં કાર્યવાહી કરવામાં આવે છે.