Amreli: બગસરાના મુંજયાસર ગામમાં આંગળિયાત પુત્રનો ખૂની ખેલ, બોથડ પદાર્થના ઘા ઝીંકી પિતાનું ખૂન કર્યું

મૃતકને બચાવવા માટે વચ્ચે પડેલી બે મહિલાઓને પણ હત્યારાએ બેરહેમીથી ઝૂડી નાંખતાં ઈજાગ્રસ્ત. તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Feb 2026 06:49 PM (IST)Updated: Fri, 06 Feb 2026 06:49 PM (IST)
step-son-kills-father-in-amrelis-munjiyasar-village-two-women-injured-in-brutal-attack
HIGHLIGHTS
  • પરપ્રાંતિય ખેત મજૂરની ઘાતકી હત્યાથી સમગ્ર પંથકમાં અરેરાટી

Amreli: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજયાસર ગામે સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક પરપ્રાંતિય ખેતમજૂરની તેના જ આંગળિયાત પુત્રએ માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં બે મહિલાઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મુંજયાસર ગામની સીમમાં ખેતમજૂરી કરતા રમણભાઈ કટારા નામના આધેડની તેમના જ આંગળિયાત પુત્ર સુરેશ મસાર દ્વારા હત્યા કરવામાં આવી છે.

આરોપી સુરેશ, રમણભાઈની પત્નીનો આગલી પત્નીનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. કોઈ અકળ કારણોસર ઉશ્કેરાયેલા પુત્રએ પિતા સમાન રમણભાઈને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે રમણભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

હત્યાના આ બનાવ સમયે વચ્ચે પડેલી બે મહિલાઓને પણ આરોપી સુરેશ દ્વારા બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલી બંને મહિલાઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

આ ઘટનાની જાણ થતા જ બગસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક રમણભાઈ કટારાના શબને પોસ્ટમોર્ટમ માટે બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્રની અટકાયત કરવા અને ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે. કયા કારણોસર પુત્રએ પિતાની હત્યા કરી તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.