Amreli: બાઢડામાં યુવકનો લોહીથી લથપથ મૃતદેહ મળ્યો, મૃતકનો માફી માંગતો વીડિયો વાયરલ થતાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણની આશંકા

વીરાણી સ્કૂલ નજીકથી મૃતદેહ મળ્યો હતો. યુવક પર અન્ય સમાજની યુવતીને ભગાડી ગયાનો આરોપ હોવાથી બે જણાએ તેની પાસે વીડિયોમાં માફી મંગાવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 30 Apr 2026 06:07 PM (IST)Updated: Thu, 30 Apr 2026 06:07 PM (IST)
amreli-news-youth-murder-due-to-love-affair-at-badhada-village-of-savarkundla
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • 26 વર્ષીય યુવકને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો

Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે એક હચમચાવી નાંખતી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ પ્રકરણની શંકા હેઠળ એક યુવકની નિર્દયી હત્યા કરવામાં આવી હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, બાઢડા ગામની વીરાણી સ્કૂલ નજીકથી 26 વર્ષીય નિલેશ ચુડાસમા નામનો યુવક લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે સાવરકુંડલા હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનામાં વધુ એક નવો વળાંક ત્યારે આવ્યો, જ્યારે મૃતક નિલેશનો એક વીડિયો સામે આવ્યો. વીડિયોમાં નિલેશ કોઈ બાબતે માફી માંગતો જોવા મળી રહ્યો છે. તેમજ એક અન્ય વીડિયોમાં તે પોતાની માતા અને ભાઈને, જે કોઈ મહિલાને લઈને નાસી ગયા હોવાનું કહેવાય છે, તેમને પરત આવવા માટે વિનંતી કરતો હોવાનું જણાઈ રહ્યું છે. આ વીડિયોએ કેસને વધુ રહસ્યમય બનાવી દીધો છે.

પ્રાથમિક તપાસમાં પોલીસ દ્વારા આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ અથવા અંગત અદાવત જવાબદાર હોઈ શકે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને વધુ તપાસ માટે ભાવનગર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સેન્ટર ખાતે ખસેડ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.