Amreli Wild Animal Attack: અમરેલી જિલ્લામાં માનવ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ વણસતો જઈ રહ્યો છે. સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામની સીમમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. છેલ્લા આઠ દિવસથી રહસ્યમય રીતે ગુમ થયેલા એક સ્થાનિક ખેડૂતના જ ખેતરમાંથી લોહીથી ખરડાયેલા કપડાં, માનવ હાડકાના ટુકડા અને તેમનો મોબાઈલ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાસ્થળેથી મૃતદેહને ઢસડ્યો હોવાના નિશાનો પણ મળી આવ્યા છે, જેના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ સિંહ અથવા દીપડા જેવા કોઈ હિંસક વન્યપ્રાણીએ ખેડૂત પર હુમલો કરીને તેમને ફાડી ખાધા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
8 દિવસથી લાપતા હતા ખેડૂત દિલીપભાઈ
મળતી વિગતો મુજબ, જુનાસાવર ગામના વતની 55 વર્ષીય દિલીપભાઈ વાઘજીભાઈ દેસાઈ ગત આઠ દિવસ પહેલા પોતાના ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળ્યા હતા, જે બાદ તેઓ પરત ફર્યા નહોતા. પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, તે દરમિયાન આજે તેમની જ વાડીમાં તેમનું ટ્રેક્ટર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. ટ્રેક્ટરની આસપાસ તપાસ કરતા લોહીવાળા કપડાં, બૂટ-ચપ્પલ, કોદાળી તેમજ શરીરના કેટલાક હાડકાના અવશેષો મળી આવ્યા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને ગ્રામજનોએ તાત્કાલિક પોલીસ અને વનવિભાગને જાણ કરી હતી. જુનાસાવર ગામના સરપંચ કલ્પેશભાઈ કાનાણીએ પણ સ્થિતિને જોતા વન્યપ્રાણીના હુમલાની પૂરેપૂરી આશંકા વ્યક્ત કરી છે.
વનવિભાગ અને પોલીસ દ્વારા સઘન સર્ચ ઓપરેશન
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ધારી ગીર પૂર્વ ડિવિઝનના DCF વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ વનવિભાગની ટીમો અને સાવરકુંડલા રૂરલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વનવિભાગ દ્વારા આસપાસના કોતરો અને ઝાડી-ઝાંખરા વાળા વિસ્તારોમાં હાઈટેક સ્કેનિંગ, ટ્રેકિંગ અને હિંસક પ્રાણીઓના પગના નિશાનો (સગડ) મેળવવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
સમગ્ર મામલે DCF વિકાસ યાદવે જણાવ્યું કે, "પ્રાથમિક તપાસમાં હુમલા પાછળ હિંસક વન્યપ્રાણી અથવા જંગલી કૂતરાઓ હોઈ શકે છે, અથવા તો કોઈ અન્ય અકળ કારણ પણ હોઈ શકે. હાલ તમામ પાસાઓ પર તપાસ ચાલુ છે." બીજી તરફ, સાવરકુંડલા DYSP વિરલ ચંદનએ પણ જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ વન્યપ્રાણીનો હુમલો પ્રતીત થાય છે અને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. મળી આવેલા લોહીના નમૂના અને હાડકાની વૈજ્ઞાનિક પુષ્ટિ કરવા ફોરેન્સિક લેબોરેટરી (FSL) ની મદદ લેવાશે.
બે દિવસ પહેલા જ બગસરામાં સિંહણે બાળકનો શિકાર કર્યો હતો
નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. હજી બે દિવસ પહેલા જ બગસરા તાલુકામાં એક સિંહણે 7 વર્ષના માસૂમ બાળક પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો, જે સિંહણને વનવિભાગે પાંજરે પૂરી દીધી છે. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં સાવરકુંડલામાં વધુ એક ખેડૂત વન્યપ્રાણીનો ભોગ બન્યા હોવાની આશંકાથી સીમ વિસ્તારમાં વસતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
